Connect with us

Botad

9 વર્ષની માસૂમ બાળા પર બળાત્કાર ગુજાર્યા બાદ હત્યામાં નરાધમ ઝડપાયો

Published

on

after-raping-an-innocent-9-year-old-girl-naradham-was-caught-in-the-murder

પવાર

  • પતંગ લૂંટવા ગયેલી બાળાને પિતાની ઉંમરના હવસખોરે પીંખી મોતને ઘાટ ઉતારી દીધી હતી, હચમચાવનારી ચકચારી ઘટનામાં પોલીસે ત્રણ ટીમ બનાવી હેવાનિયતની હદ વટાવનારા શખ્સને દબોચી આગળની તપાસ આદરી

બોટાદમાં વાસી ઉત્તરાયણના દિવસે પતંગ લૂંટવા ગયેલી એક ફૂલ જેવી માસૂમ બાળા ઉપર બોટાદના શિવનગરમાં રહેતા હવસખોર શખ્સે હેવાનિયતની હદ વટાવી બળાત્કાર ગુજારી નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. આ ઘટનાએ સમગ્ર બોટાદ જિલ્લાને હચમાવી નાંખ્યો હતો. તો પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ત્રણ ટીમ બનાવી ગણતરીના કલાકોમાં જ હવસખોર નરાધમ શખ્સને દબોચી લીધો હતો.ચકચાર મચાવનારી ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ શહેરમાં રહેતી એક નવ વર્ષની માસૂમ બાળકી ગઈકાલે સાંજના સમયે પતંગ લૂંટવા ગઈ હતી. ત્યારે પિતાની ઉંમરના રાજેશ દેવસંગભાઈ ચૌહાણ (રહે, શિવનગર, ગઢડા રોડ, બોટાદ) નામના નરાધમ શખ્સે બાળકીને ઢાંકણિયા રોડ પર આઈટીઆઈ પાછળ ફુલવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ ખંડેર ક્વાર્ટરમાં લઈ જઈ માસૂમ સાથે બળાત્કાર ગુજારી હત્યા કરી નાંખી હતી. દરમિયાનમાં બાળકીનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં મળી આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી.

after-raping-an-innocent-9-year-old-girl-naradham-was-caught-in-the-murder

સાંપ્રત સમાજને હચમચાવી નાંખનારી ઘટના અંગે મૃતક બાળકીના પિતાએ બોટાદ પોલીસમાં આઈપીસી ૩૦૨, ૩૭૬ (એ) (બી),  ૩૫૪ (એ) અને પોક્સો એક્ટની કલમ ૫ (એમ), ૬, ૭, ૮ મુજબ ગુનો દાખલ કરી બાળાને હવસનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારનારા નરાધમ શખ્સને ઝડપી લેવા તાત્કાલિક તપાસનો ધમધમાટ આદર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ બોટાદ પોલીસ ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમ બનાવી બનાવ સ્થળની આસપાસમાં રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને તપાસી, અંગત બાતમીદારો અને ટેકનિકલ સોર્સને પણ કામે લગાડવામાં આવ્યા હતા. જેમાં દુષ્કર્મ-હત્યામાં સંડોવાયેલો શખ્સ રાજેશ ચૌહાણ તુરખા રોડ, ભડિયા નજીક છુપાયેલો હોવાની ચોક્કસ હકીકત જાણવા મળી હતી. જેના આધારે ગઈકાલે સોમવારે સાંજે ચાર કલાકે નરાધમને ઉપરોક્ત સ્થળેથી ઝડપી લઈ પૂછતાછ કરતા રાજેશ ઉર્ફે રાજુ દેવસંગભાઈ ઉર્ફે દેવુભાઈ ચૌહાણ (ઉ.વ.૩૯)એ ગુનાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે ગણતરી કલાકોમાં જ ચકચારી હત્યા કેસમાં શખ્સને હસ્તગત કરી લીધો હતો. આગળની તપાસ બોટાદ પીઆઈએ હાથ ધરી છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!