Botad
મહંતનો હુંકાર ; 24 કલાકમાં સાળંગપુરમાંથી વિવાદાસ્પદ ભીંતચિત્ર નહીં હટે તો હથિયાર ઉપાડી એ લોકોનો વધ કરી નાખીશ
કુવાડીયા
યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાના ફાઉન્ડેશનની ફરતે જગ્યામાં હનુમાનજી સહજાનંદ સ્વામીને બે હાથ જાડી નમસ્કાર કરતા હોય એવી મુદ્રામાં ભીંતચિત્રમાં કંડારવામાં આવ્યા છે, જેને લઇને થયેલો વિવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંત અને અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદી અખાડાના મહંત પરમેશ્વર મહારાજે આ મુદ્દે 24 કલાકનું અલ્ટિમેટમ આપતાં કહ્યું છે કે જો વિવાદાસ્પદ ભીંતચિત્ર હટાવી લેવામાં નહીં આવે તો હથિયાર ઉઠાવતાં પાછા નહીં પડીએ અને આ લોકોનો વધ કરી નાખીશ.
મહંત પરમેશ્વર મહારાજે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હનુમાનજી સ્વામિનારાયણના દાસ નથી. હનુમાનજી ભગવાન રામના દાસ છે. સ્વામિનારાયણ મતલબ કોણ? સ્વામિનારાયણનો કોઈ સંપ્રદાય નથી. સ્વામિનારાયણનો કોઈ અખાડો નથી, સિદ્ઘાંત નથી, પંથ નથી. આ તો ફરજી બાબાનું ગ્રૂપ છે. આ લોકો તો બ્લેકના રૂપિયા વ્હાઇટ કરે છે. જો તેમના ભગવાન રામ કે શિવ નથી તો એ લોકો હનુમાનજીનાં ચરણોમાં કેમ પડ્યા છે? હનુમાનજીનાં વિવાદાસ્પદ ચિત્રો કેમ લગાવ્યાં? તેમણે હાથમાં હથિયાર ઉઠાવતાં કહ્યું હતું કે અમને લાગતું હતું કે એ લોકો સુધરી જશે અને એ લોકો સનાતની છે, પરંતુ આ લોકો સનાતની નથી, આ લોકો સનાતન ધર્મના વિરોધી છે. હનુમાનજીનું અપમાન કરનારાઓ પર અમે કેસ કરીશું.
જો આગામી 24 કલાકમાં સાળંગપુરમાંથી વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવામાં નહીં આવે તો અમે હથિયાર ઉપાડવા પણ તૈયાર છીએ. હું બંને ભુજા ઉઠાવીને પ્રણ કરું છું કે આ લોકો નહીં સુધરે તો સનાતન ધર્મના રક્ષણ માટે હું તેમનો વધ કરી નાખીશ.