Botad
સાળંગપુર વિવાદ : CM ની હાજરીમાં બન્ને સંપ્રદાયના સાધુ-સંતોની બેઠક
કુવાડીયા
રાજયમાં તહેવારો ટાંકણે જ ધાર્મિક તનાવ સર્જાતા સરકાર એકશનમાં, રાજકોટથી ગાંધીનગર પહોંચી ભુપેન્દ્રભાઈ પટેલે ‘સમાધાન’ના પ્રયાસો શરૂ કર્યા: ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ હાજર: બન્ને તરફથી ઉદાર વલણ અપનાવવા સમજાવવાના પ્રયત્નો
સાળંગપુરમાં કષ્ટભંજક હનુમાનજીના ભીતચિત્રો અંગે સ્વામીનારાયણ સંપ્રદાય તથા સનાતન ધર્મના અનુયાયીઓ વચ્ચે સર્જાયેલા વિવાદમાં અંતે રાજય સરકાર એકશનમાં આવી છે અને આજે બપોરે ગાંધીનગરમાં બન્ને સંપ્રદાયના સાધુ-સંતો વચ્ચે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પણ જોડાઈ ને આ વિવાદનો અંત લાવવા પ્રયાસ કર્યો છે હનુમાનજીને નિલકંઠવર્ણીના ‘દાસ’ તરીકે દર્શાવતા અને તેમની ‘સેવા’ કરતા ચિત્રોનો મુદો વાયરલ થતા જ સનાતન ધર્મના સાધુ સંતો એ તાત્કાલીક એ ચિત્રો દુર કરવા અને સ્વામિનારાયણ સંપ્રદાય આ રીતે સનાતન ધર્મના આસ્થા દેવોનું અપમાન કર્યુ તે બદલ માફી માંગે તે મુદે છેલ્લા ત્રણ દિવસથી રાજયભરમાં સાધુ સંતોમાં ભારે તનાવ સર્જાયો છે.
સાળંગપુર કુચ સહિતની તૈયારીઓ થવા લાગતા તથા ભીતચિત્રો પર કુહાડાના ઘા કરીને કાળો કલર કરવા સહિતની ઘટનાઓના કારણે હવે આ વિવાદ હિંસક બને તેમાં ભય લાગતા જ એક તરફ મંદિર પરિસર આસપાસ પોલીસ ક્રુરતા અપાઈ હતી. સ્વામીનારાયણના કેટલાક સંતોના વિધાનોએ પણ બળતામાં ઘી હોમવા જેવું કૃત્ય કર્યુ હતું. આ વચ્ચે હવે રાજય સરકારના પ્રયાસોથી બન્ને તરફના સંતો સાથે બેસીને આ વિવાદ ઉકેલે તેવી તૈયારી છે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ગઈકાલે જ એવા સંકેત મળ્યા હતા કે સાળંગપુરમાં બે દિવસમાં આ ભીતચિત્રો હટાવી દેવા સંમતી બની છે પણ કોઈ સતાવાર જાહેરાત થઈ નથી તેથી સનાતન સમાજમાં ધુંધવાટ વધ્યો છે તે વચ્ચે હવે આજે સરકાર મધ્યસ્થી બનીને સમાધાન કરાવશે તેવા સંકેત છે.