Botad
સતત વરસાદી માહોલ યથાવત રહેતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાઈ ગયા
પવાર
ઋુતુચક્રનું પરિવર્તન ; ગોહિલવાડમાં તલ, ઉનાળુ બાજરી, જુવાર, કેળ, આંબા, પપૈયા સહિતના પાકને નુકશાન થતા જગતના તાત ચિંતામગ્ન
ગોહિલવાડમાં ઋુતુચક્રએ જાણે કે, શિર્ષાસન શરુ કર્યુ હોય શિયાળાની ઋતુ પૂર્ણ થયા બાદ ઉનાળો જામ્યો ન જામ્યો ત્યાં તો ચોમાસાની ઋુતુએ જમાવટ કરી દીધી હોય તેમ સતત ચોતરફ હળવાથી ભારે વરસાદી ઝાપટાઓ યથાવત રહેતા ખેડ ખાતર અને બિયારણ લાવવાના સમયે જ સતત વરસાદી માહોલથી જગતના તાત ફરી વખત કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. ઉનાળાની ઋુતુમાં મુખ્ય ગણાતો વૈશાખ માસ શરુ છે ત્યાં તો હવામાન ખાતાની આગાહી મુજબ ભાવનગર શહેર અને જિલ્લાના ઘોઘા, સિહોર, તળાજા,મહુવા, પાલિતાણા,વલ્લભીપુર, ઉમરાળા તેમજ બોટાદ જિલ્લાના ગઢડા (સ્વા.)સહિતના તાલુકા મથકોમાં છાસવારે વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ગત એપ્રિલ માસના અંતિમ તબકકાથી ઉનાળાની ઋુતુએ તેનો ખરો પ્રભાવ બતાવ્યો નથી તેની જગ્યાએ સતત કમોસમી વરસાદ શરુ રહ્યો છે. જેને લઈને કયાંક ઉનાળુ પાકને ટાઢક થઈ છે તો વળી કેટલાક સ્થળોએ ભારે વરસાદથી નુકશાન પણ થવા પામેલ છે. ગત ચોમાસાની ઋુતુ બાદ ચોમાસાએ વિદાય લીધી ન હોય તેમ ગોહિલવાડમાં અવારનવાર આગાહીઓ મુજબ માવઠા શરુ રહ્યા છે. હાલના તબકકામાં ગોહિલવાડના ગ્રામ્ય વિસ્તારોમાં પાક તૈયાર થવાના તબકકે છે તેવા સમયે જ આ સતત વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન થયુ છે.
જયારે સૌરાષ્ટ્રમાં અડદ સહિતનો પાક તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યાં પ્રમાણમાં સારુ નુકશાન થયેલ છે. આ ઉપરાંત જયા જયાં આગોતરા તલ થવામાં છે ત્યાં પણ તે નુકશાનગ્રસ્ત બન્યા છે. કયાંક કયાંક તલ, ઉનાળુ બાજરી સહિતના પાકમાં થોડા ઘણા અંશે બગાડ થયો હોવાનું માર્કેટીંગ યાર્ડના સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતુ. ભાવનગર જિલ્લામાં કેસર કેરીના ગઢ ગણાતા તળાજા અને ખાસ કરીને સોસીયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો ચિંતામગ્ન બની ગયા છે. આ સાથે ઉનાળુ બાજરી, મગ, ચણા, સફેદ અને કાળા તલ, કઠોળ,આંબા પપૈયા સહિતના અન્ય ઉનાળુ પાકને પણ નુકશાન થવાથી ભાવનગર અને બોટાદ જિલ્લાના મોટા ભાગના ખેડૂતોના હાલબેહાલ બની જવા પામ્યા છે.ઘોઘા તાલુકામાં અંદાજે પાંચેક ઈંચ કમોસમી વરસાદ વરસતા સરકાર દ્વારા સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવે તેવી માંગ થઈ રહી છે. અન્યથા ખેડૂતોને સાથે રાખીને આંદોલનના મંડાણ કરવાની આગેવાનોએ ચિમકી પણ ઉચ્ચારી છે.