Botad
બે સ્થળો પર ચાલતો વરલી મટકાનો જુગાર પકડાયો; 24 આરોપી પકડાયા ત્રણ ફરાર, રોકડ સહિત રૂપિયા 1.79નો મુદ્દામાલ જપ્ત
રઘુવીર મકવાણા
- બોટાદ શહેરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના જુગારધામ પર દરોડા
બોટાદ શહેરમાં ઉતાવળી નદી પાસે અને ગોળ બજાર વિસ્તારમાં ચાલતા વરલી મટકાના જુગારના અડ્ડા ઉપર સ્ટેટ વિજિલન્સ ત્રાટકતા રૂપિયા એક લાખ 79 હજારના રોકડ, વાહન તથા મોબાઈલ સહિતનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. 24 શખસોને પકડી કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગારી આલમમાં ફફડાટ ફેલાઇ ગયો છે. બોટાદ અને જિલ્લામાં ચાલતા જુગારના અડ્ડા પકડવા માટે સ્ટેટ વિજિલન્સ આવે અને સ્થાનિક તંત્ર અંધારામાં રહે તે બાબતે આશ્વર્ય સાથે ચકચાર જાગી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બોટાદ શહેરમાં ઉતાવળી નદી પાસે વરલી મટકાનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી સ્ટેટ વિજિલન્સ ટીમને મળી હતી.
જેથી બાતમીની ખરાઈ કરીને સ્ટેટ વિજિલન્સ ત્રાટકતા રોકડ રકમ રૂપિયા 54,610 તથા મોબાઈલ ફોન 18ની કિંમત રૂપિયા 49,500, તેમજ 3 વાહનો કિંમત રૂપિયા 75,000 મળીને કુલ રૂપિયા 1,79,110નો મુદ્દામાલ જપ્ત કરી 24 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને બોટાદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા. આ દરમિયાન 24 આરોપીઓ ઈશ્વરભાઈ મકવાણા, જસમતભાઈ માલકીયા, લાલજીભાઈ જેજરીયા, અકબરભાઈ માંકડ, યોગેશભાઈ સાકરીયા, બટુકભાઈ શેખ, હર્ષદભાઈ ડાંગી, નટવરભાઈ દલવાડી, સુખાભાઈ કણબી, પ્રકાશભાઈ જાજવાણી, બુધરભાઈ દેવીપૂજક, દિલાવરભાઈ ફકીર, પ્રફુલ્લભાઈ રવિયા, સુભાષભાઈ દેવીપૂજક, ભરતભાઈ ઝાલા, દેખોભાઈ ખાચર, ભરતભાઈ ગોહિલ, વિપુલભાઈ જમોડ, શત્રુભાઈ પરમાર, વલ્લભભાઈ ઝાપડિયા, સંજયભાઈ સોલંકી, ઝવેરભાઈ ગોહિલ, પુંજાભાઈ મેર, દલસુખભાઈ દેવીપૂજક પોલીસના હાથે પકડાઈ ગયા હતા. તથા 3 આરોપીઓ પ્રવિણભાઈ જોષી, ચેતનભાઈ ગઢવી, અને સલીમ સહિતના નાસી છૂટયા હતા.