Botad
હજુ માવઠું શરૂ હોવાથી ફાઇનલ અહેવાલ મળી ન શકે, માવઠું પૂર્ણ થયા બાદ સર્વે તેમજ સહાયને લઈ ચર્ચા કરાશે : રાઘવજી પટેલ
રઘુવીર મકવાણા
કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે બોટાદ જિલ્લાના પ્રવાસે બોટાદના ઝમરાળા ગામ ખાતે ગોબરગેસ પ્લાન્ટ તેમજ સ્કાય યોજના અંતર્ગતની મુલાકાત સાથે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. માવઠાંને લઈ ફાઇનલ અહેવાલ બાદ સર્વે તેમજ સહાયને લઈ આયોજન કરાશે તેવું નિવેદન આપ્યું હતું. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે બોટાદ જિલ્લાના ઝમરાળા ગામ ખાતે પ્રસિદ્ધ એવી ફકડાનાથની જગ્યા ખાતે દર્શન કરી જમરાળા ખાતે ખેડૂત દ્વારા ગોબર પ્લાન્ટનું કરવામાં આવેલ આયોજન અંતર્ગત તેમના ઘેર જઈ તેમની સાથે મુલાકાત કરી ગોબરગેસ પ્લાન્ટને લઈ ગામના આગેવાનો ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ ઝમરાળા ખાતે આવેલા અન્ય ખેડૂતના ખેતરમાં ઊભા કરાયેલા સોલાર પ્લાન્ટની મુલાકાત લઈ સોલાર પ્લાન્ટથી થતાં ફાયદા તેમજ તે બાબતને લઈ ખેડૂતો સાથે સ્થળ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા હાલ ગુજરાત રાજ્યમાં વરસાદને લઈ ખેડૂતોને થયેલા નુકસાન બાબતે તેમજ સર્વે બાબતે પૂછતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવેલું કે હજી માવઠું શરૂ હોય ફાઇનલ અહેવાલ મળી શકે નહીં, માવઠું પૂર્ણ થતાં ખેતીવાડી અધિકારીઓને સૂચના આપવામાં આવશે અને ફાઇનલ અહેવાલ મંગાવવામાં આવશે. ત્યારબાદ આગળની ચર્ચાઓ કરી અધિકારીઓને સૂચના આપવામાં આવશે, તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મીડિયાને જણાવવામાં આવેલું હતું.