Botad
હનુમાન જયંતિ નિમિતે ‘કિંગ ઓફ સાળંગપુર’ હનુમાનજીની પ૪ ફુટની મહાકાય મૂર્તિનું થશે અનાવરણ
પવાર
- કાલે ‘કિંગ ઓફ સાળંગપુર’ હનુમાનજીની પ૪ ફુટની મહાકાય મૂર્તિનું અનાવરણ : ગુરૂવારે પૂ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને અમિતભાઇ શાહના હસ્તે વિરાટ ભોજનાલયનું ઉદઘાટન
- તુમ રક્ષક કાહુ કો ડરના… : નૂતન ભોજનાલય પૂજાવિધી, સત્સંગ સભા તથા ભોજન પ્રસાદનું આયોજન ભાવિકો મોટી સંખ્યામાં ઉમટશે :સત્સંગ, ભકિત, શરણાગતિ, બળ, બુધ્ધિ, સાહસનુ અપ્રતિમ સ્વરૂપ એટલે શ્રી હનુમાનજી મહારાજ
બોટાદ જીલ્લાનાં સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્યમાં કાલથી ર દિવસીય શતામૃત મહોત્સવ સાળંગપુરધામના ઉપલક્ષમાં શ્રી હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, સહિતના ઉપસ્થિત રહેશે. મહોત્સવ અંતર્ગત તા.૦૫ એપ્રિલ ૨૦૨૩ને બુધવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે ૫૪ ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ ‘કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ’ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી તથા ધામોધામથી પધારેલ સંતોના સાનિધ્યમાં કરવામાં આવશે તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્રારા હનુમાનજી મહારાજનું પૂજન કરવામાં આવશે. રાત્રે ૯ કલાકે ‘મ્યુઝિક લાઇવ કોન્સર્ટ’ એવં ‘લોકડાયરો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે
જેમાં શ્રી આદિત્ય ગઢવી લોકગાયક તથા શ્રી નિર્મળદાન ગઢવી સાહિત્યકાર દ્વારા કિંગ ઓફ સાળંગપુરના પ્રાંગણમાં જમાવટ કરશે. તા.૦૬ એપ્રિલ ૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૭ કલાકે મંદિરના પરિસરમાં સમૂહ મારુતિયજ્ઞ પૂજન, દાદાનું ભવ્ય પ્રાતઃ પૂજન-આરતી દર્શન, અન્નકૂટ દર્શન, શ્રી હનુમાન જન્મોત્સવ, ગુજરાતના સૌથી મોટા ‘શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય’નું પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી તથા માનનીય શ્રી અમિતભાઈ શાહ(કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી-ભારત)ના હસ્તે દિવ્ય ઉદ્્ઘાટન કરવામાં આવશે. તો ચાલો સાળંગપુરધામ અનેકવિધ કાર્યક્રમોના ભવ્યાતિભવ્ય દિવ્ય દર્શન-આરતી-અન્નકૂટ દર્શન કરવા. તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા મહોત્સવમાં તમામ હરિભક્તોને પરિવાર સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે