Botad
ગઢડા ; પુત્રએ પોલીસને ફોન કરીને કહ્યું મે મારા પિતાને દાતરડું મારી દીધું છે, તમે આવી જાવો
રઘુવીર
ગઢડા પંથકમાં શંકાના કારણે આખા પરિવારનો માળો વિખાઈ ગયો છે. માતા અન્ય કોઈ વ્યક્તિ સાથે ભાગી જતાં જેલમાંથી છુટીને આવેલા પિતાએ પુત્ર પર શંકા રાખી હતી કે, તેમની પત્નીને ભગાડવામાં પુત્રએ મદદ કરી હતી. જે શંકાના આધારે પિતાએ પોતાના જ પુત્ર પર દાતરડા વડે હુમલો કરી હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે દાતરડું પુત્રના હાથમાં આવી જતાં ખેલ ઊધો પડી ગયો હતો અને પુત્રના હાથે પિતાની હત્યા થઈ હતી. બાદમાં સમગ્ર બનાવ અંગે પુત્રએ જ પોલીસને ઘટના અંગેની જાણ કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર, ગઢડા પંથકમાં રહેતા રધુરામ તેમના પરિવાર સાથે રહીને જમીન ભાગવી રાખીને ખેતી કામ કરે છે. રધુરામની પત્ની છેલ્લા 4 મહિનાથી કોઈની સાથે પ્રેમસંબંધ હોવાથી ભાગી ગઈ હતી. જોકે રધુરામ જેલમાં છુટીને આવતા તેમની પત્ની અન્ય સાથે પ્રેમસંબંધમાં ભાગી ગઈ હોવાની જાણ થઈ હતી.
પત્નીને ભાગી જવામાં પુત્ર સાવનનો હાથ હોવાની પિતાને શંકા હતી. જેથી આ બાબતને લઈને અવાર-નવાર પુત્ર સાથે માથાકુટ કરતાં હતા. ગઈકાલ રાત્રીના સમયે સાવન તેની પત્ની સાથે ઊંધવાની તૈયારી કરી રહ્યો હતો. તે દરમિયાન પિતા લોંખડનું દાતરડું લઈને આવ્યા હતા અને પુત્રને કહ્યું હતું કે, ‘તારી માને તે ભાગવા દીધી છે, એટલે આજે તમને બધાને મારી નાખવાનો છું.’ તેમ કહીને માથાકુટ કરવા લાગ્યા હતા, આ દરમિયાન પુત્રએ દાતરડું આંચકીને પિતાના ગળા ઉપર ઘા મારી દીધા હતા. પિતાને લોહીલુહાણ હાલમાં જોઈને પુત્ર ગભરાઈ જતાં પોતે જ 100 નંબર પોલીસને બનાવ અંગેની જાણ કરી હતી. ત્યારબાદ એમ્બુલન્સ મારફતે પિતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર બનાવ અંગે ગઢડા પોલીસે પુત્ર સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પુત્ર સગિર વયનો છે જેથી દસ્તાવેજી પુરાવા તપાસીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.