Botad
હનુમાનજી સહજાનંદ સ્વામીના ભકત : સાળંગપુરમાં ભીંતચિત્રોથી સાધુ-સંતો ભડકયા : જબરો વિવાદ
કુવાડીયા
હનુમાનજીને નીચા દેખાડવાનો પ્રયાસ હોવાનો આક્ષેપ : મોરારીબાપુ સહિતના સાધુ-સંતોનો જોરદાર વિરોધ : સાળંગપુરમાં ચાર માસ પૂર્વે મુકાયેલી હનુમાનજીની વિરાટ પ્રતિમાની પેટા મૂર્તિમાં હનુમાનજી સ્વામીનારાયણ સંપ્રદાયના સહજાનંદ સ્વામીને વંદન કરતા હોવાની મૂર્તિ મુકાયાનો વિડીયો વાયરલ થતા એકાએક મામલો સળગ્યો : સનાતન ધર્મ સેવા સમિતિ લાલઘુમ ; સહજાનંદ સ્વામીને હનુમાનજી વંદન કરતા હોય તો તેમાં ખોટુ શું ? હનુમાનજી તથા મહાદેવ ર4 કલાક સેવામાં હાજર રહેતા હોવાના નિલકંઠ ભગત સહિત બે સ્વામીના જવાબથી વિવાદ વધુ વકર્યો : સિહોર પોલીસમાં 33 દસ્તાવેજી પુરાવા સાથે ફરિયાદ અરજી : ભીંતચિત્રો હટાવવા તથા ત્રણેય સ્વામી સામે પગલા લેવાની માંગ.
કષ્ટભંજન હનુમાનજીના મંદિર માટે વિખ્યાત સાળંગપુરમાં નવો વિવાદ સર્જાયો છે. હનુમાનજીને સ્વામીનારાયણ સંપ્રદાયના ભગવાન સહજાનંદ સ્વામીના ભકત તરીકે ચીતરતા ભીંત ચિત્ર અને પેટા મૂર્તિને પગલે આકરો વિવાદ સર્જાયો છે અને સાધુ-સંતોએ ઉગ્ર પ્રતિક્રિયા આપીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાથોસાથ દસ્તાવેજી પુરાવા સાથે સિહોર પોલીસમાં ફરિયાદ અરજી પણ દાખલ કરવામાં આવી છે. વિખ્યાત ધર્મસ્થાન તરીકે ઉભરેલા સાળંગપુરમાં ચારેક મહિના પૂર્વે હનુમાનજીની વિશાળ મૂર્તિ મુકવામાં આવી હતી અને તેની પેટા મૂર્તિમાં ભગવાન સહજાનંદ સ્વામીના દાસ તરીકે હનુમાનજીને દર્શાવવામાં આવ્યા હતા.
આ મૂર્તિનો વિડીયો વાયરલ થતા તિવ્ર પ્રત્યાઘાતો પડવાનું શરૂ થયું હતું. સનાતન ધર્મ સેવા સમિતિ દ્વારા આ સામે વાંધો ઉઠાવીને સ્વામીનારાયણ સંપ્રદાયના નિલકંઠ ભગત સ્વામી તથા અન્ય બે સ્વામીની રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે પણ આ સ્વામીએ એમ કહ્યું કે મહાદેવ તેમજ હનુમાનજી બંને સહજાનંદ સ્વામીની સેવામાં ર4 કલાકમાં હાજર રહેતા હતા. આ જવાબથી સનાતન સમિતિના સભ્યોમાં આકરો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને નિલકંઠ ભગત તથા અન્ય બે સ્વામી વિરૂધ્ધ પગલા લેવાની માંગ સાથે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપવામાં આવી છે.
આ ફરિયાદ અરજીમાં 33 દસ્તાવેજો પણ રજુ કરવામાં આવ્યા છે. સાળંગપુર હનુમાન મંદિરનો વિવાદ એકાએક સળગ્યાના પગલે સાધુ-સંતોમાં પણ તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજીને નીચા દેખાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ સાથે સાધુ-સંતોએ આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે અને સાથોસાથ હનુમાનજીને નીચા દેખાડતા ભીંતચિત્રો હટાવવાની પણ માંગ કરવામાં આવી છે. સ્વામીનારાયણ સંપ્રદાયના ભગવાન સહજાનંદજીને વંદન કરતો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થવાને પગલે આ સમગ્ર વિવાદ સર્જાયો છે અને તેના વ્યાપક અને સાર્વત્રિક પ્રત્યાઘાતો પડવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
જાણીતા રામાયણી પૂ.મોરારીબાપુ દ્વારા પણ આ મુદ્દે સખ્ત વિરોધ કરવામાં આવ્યો છે. સમગ્રે મામલે તમામ સાધુ-સંતો એક અને સંગઠીત થઇ ગયા છે અને ભીંતચિત્રો હટાવવાની માંગ તથા નિલકંઠ ભગત સહિત ત્રણ સ્વામી સામે પગલા લેવાની માંગમાં અડગ રહ્યા છે. હનુમાનજી સ્વામીનારાયણ ભગવાનને વંદન કરતા હોય તેમાં ખોટુ શું છે ? તેવા જવાબથી સનાતન ધર્મ સેવા સમિતિ અને સાધુ-સંતો વધુ ભડકયા છે. આ પ્રકારના ભીંતચિત્રો બનાવવા પાછળનો શું ઉદેશ છે તેવો પણ સવાલ ઉઠવવામાં આવી રહ્યો છે. સાળંગપુર વિવાદથી ભાવિકોમાં પણ કચવાટની લાગણી ઉભી થવાનું સ્પષ્ટ છે. આ મામલે હવે કેવો વળાંક આવે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે.