Botad
મૃતક કૃણાલની બહેનની વેદનાઃ રક્ષા બંધન પર ઘરે આવવાનું વચન આપ્યું હતું, મને રડાવીને જતો રહ્યો
રઘુવીર મકવાણા ; સલીમ બરફવાળા
અમદાવાદમાં બુધવારની રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે પોલીસ કોન્સટેબલ સહિત 10 લોકોના મૃત્યુ થયા હતા. આ અકસ્માતમાં અમદાવાદ અભ્યાસ કરવા આવેલા ત્રણ વિદ્યાર્થીઓના પણ મૃત્યુ થયા હતા. આ ત્રણે વિદ્યાર્થીઓની અર્થી નિકળી ત્યારે સમગ્ર પંથક હિબકે ચઢ્યું હતું. ત્યારે આજે મૃતક કૃણાલનું બેસણું યોજવામાં આવ્યું હતું. જેમાં ભાઈ ગુમાવનાર બહેનના હૈયાફાટ રૂદનથી બેસણામાં હાજર લોકોની આંખ ભીની થઈ ગઈ હતી. બહેને હિબકા ભરતા જણાવ્યું હતું, મારા ભાઈએ વચન આપ્યું હતું, તે મને મળવા રક્ષાબંધને આવશે, પરંતું ભાઈ મને છોડીને જતો રહ્યો… બહેનના આ વાક્યોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થારનો ડમ્પર સાથે અકસ્માત થયો હતો. જેના કારણે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા એસ. જી. હાઈવે 2 પોલીસ મથકના પોલીસ કર્મી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અકસ્માતની વિગત મેળવી રહી હતી. ત્યારે ઈસ્કોન બ્રિજ પર પુરપાટ ઝડપે આવેલી રહેલી જેગુઆર કારે ટોળાને કચડી નાખ્યું હતું. આ અકસ્માતમાં બોટાદ શહેરના ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. જેમાં બોટાદથી અમદાવાદ ખાતે અભ્યાસ કરવા આવેલો અને અમદાવાદમાં પીજીમાં રહેતા કૃણાલનું પણ મૃત્યુ થયું હતું.
આજે કૃણાલનું બેસણું રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પરિવાજનો સહિતના સગાસંબંધીઓ આવ્યા હતા. બેસણામાં સૌ કોઈની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. કૃણાલની બહેનએ હૈયાફાટ રૂદન સાથે જણાવ્યું હતું કે, “મારો વહાલો ભાઈ આવતો ત્યારે મને ગળે લાગીને મળતો હતો. તે કાયમ કહેતો બહેન તારી આંખમાં ક્યારે આંસુ નહીં આવા દઉં, પરંતું આજે તે રડાવીને જતો રહ્યો, કૃણાલે મને કહ્યું હતું કે, રક્ષાબંધન પર તને મળવા માટે આવીશ, ક્યાં ગઈ મારી રક્ષાબંઘન? આરોપીને ફાંસીની સજા થવી જોઈએ, જેથી કોઈ પરિવાર સાથે આવું ન થાય, મારો ભાઈ અમારી વચ્ચે રહ્યો નથી જેનું હંમેશા માટે દુઃખ રહેશે.” કૃણાલના કાકાએ જાણાવ્યું હતું કે, “મે મારો ભત્રીજો ગુમાવ્યો છે, સરકાર સારા નિયમો બનાવે, આવા મોટા નબીરાએ અમારા છોકરાઓને કચડી નાખ્યા, અમારી પરિસ્થિતી ખરાબ હોવાના કારણે ભણવા માટે માંડ માંડ મોકલતા હોય છે, અત્યારે જે નિયમ છે તે તો અંગ્રેજો વખતના છે, હવે પછી આવા બનાવ ન બને તે માટે નિયમ બનાવો જોઈ, આરોપીને ફાંસીની સજા થવી જોઈ, પૈસાની રકમથી આ ખાડો પુરાતો નથી, જેના દિકરા સાથે થયું હોય તેના પરિવારને જ ખબર હોય.”