Mahuva
તળાજા અને મહુવા તાલુકા પંથકમાં પવનચક્કીના વ્યાપક પગપેસારા સામે વિરોધ

બરફવાળા
ખેડૂતોની સહમતી વગર દાદાગીરી કરાતી હોવાની રાવ, આગામી 3 દિવસમાં જવાબદાર તંત્ર યોગ્ય પગલા ભરે અન્યથા રેલી સાથે આંદોલનના મંડાણની ચિમકી
તળાજા મહુવા તાલુકાના ગામોમાં જુદી જુદી કંપનીઓની પવનચક્કીઓનો પગપેસારો વધી રહ્યો છે જે માટે ખેડૂતોની સહમતી લેવાતી ન હોવા ઉપરાંત ગુંડા તત્વોની ધમકીઓ મળતી હોવાની ફરિયાદ ઉઠી છે. જે અંગે યોગ્ય કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી ખેડૂત વર્ગમાંથી ઉઠવા પામી છે. તળાજા અને મહુવા તાલુકાના અનેક ગામોમાં જુદી જુદી કંપનીઓ પવનચક્કીઓ બીનકાયદેસર આડેધડ ઉભી કરી નીતિ નિયમનો ઉલાળીયો કરી તરખાટ મચાવ્યો હોવાનો તથા ખેડૂતોને દબાવવા કોન્ટ્રાક્ટરો અને ભાડુતી ગુંડાઓ આતંકવાદીઓ બાનમાં લે તેમ લોકોને ઉ કે ચૂ કરશો તો જોયા જેવી થશે તેવી ગુપ્ત ધમકીઓ આપી ખેડૂતોની મંજુરી, સહમતી કે વળતર આપ્યા વગર પવનચક્કીવાળા પોલ અને ટાવરો દાદાગીરી કરીને ઉભા કરેલ હોવાના આક્ષેપ કર્યાં છે. ખેડૂતોના અસંખ્ય વૃક્ષોનું નિકંદન કાઢેલ છે તેમજ ખેડૂતો પોતાની આજીવિકાની ખેતી છીનવાતી હોવાથી વારે વારે કાકલુદી કરી લેખીત મૌખીક રજૂઆતો કરે છે છતાં તંત્ર ધ્યાન આપતું નથી અને પવનચક્કીઓ બનાવતી કંપનીઓને ઘડીના છઠ્ઠા ભાગમાં બીનકાયદેસર મંજુરીઓ મળી જાય છે.
તંત્ર સાથે નાણાનો મોટાપાયે વહિવટ થતો હોવાની શંકા ઉપજાવે છે. ખેડૂતોની મંજુરી વગર વીજ ટાવરો કે વીજપોલો પવનચક્કી વાળાએ ઉભા કરેલ છે. પવનચક્કીઓના, સોલારના, ઝેટકોના ટાવરો અને સીગલ અને ડબલ વીજપોલો જે ખેડૂતની જમીનમાં આવે તે જમીનની કિંમત એંશી ટકા ઘટી જાય છે (જમીન મુલ્ય હિન થાય છે) તેમજ ખેડૂત તેમાં મકાન, ગોડાઉન, કુવો, ડાર, બાગાયતી પાકો વિગેરે કરી શકતો નથી તે જમીન એન.એ. થતી નથી કે ઉદ્યોગમાં લેવાતી નથી. તેનાથી જીવલેણ દુર્ઘટનાઓ અને વીજ છોટાના બનાવ બનશે તો જવાબદાર કોણ તે સમજવું મુશ્કેલ છે. આ સમસ્યા મહુવા તાલુકામાં માળવાવ, વાલાવાવ, રાણીવાડા, બોડા, રાણપરડા, લોંગડી, લોંગીયા, ભગુડા, ધરાઇ, સાલોલી, માલપરા, દેગવડા વિગેરે ગામોમાં તેમજ તળાજા તાલુકામાં ખંઢેરા, સખવદર, ફુલસર, વાવડી, મથાવાડા, બોરડા, ગાધેસર, વાટલીયા, રોજીયા, દાઠા, વેજોદરી, પ્રતાપરા, ઉચડી, નીચડી વિગેરે ગામોમાં ઉભી કરાઇ હોવાનું જણાયું છે જેથી ત્રણ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વિરોધમાં બાઇક રેલી કાઢી મામલતદાર તથા કલેક્ટર કચેરી સામે આંદોલન કરાશે તેવી ચિમકી ખેડૂત અગ્રણી ભરતસિંહ વાળાએ ઉચ્ચારી હતી.