Mahuva
ખેડૂતોને ભોગવવી પડતી સમસ્યાઓના નિરાકરણ માટે મંગળવારે મહુવા ખાતે ખેડૂત મહાસંમેલન મળશે
કુવાડિયા
- પ્રશ્નોના નિરાકરણ માટે તબક્કાવાર કાર્યક્રમનું આયોજન, પોષણક્ષમ ભાવની સાથે રોઝ, ભુંડ અને ખુંટીયાના ત્રાસથી ખેડૂતોને લાખોનો ડામ, ખેડૂતોને ઉમટી પડવા હાંકલ
ખેત પેદાશના પુરતા ભાવ નહીં મળતા ખેડૂતોમાં ભારે નારાજગી ઉઠવા પામી છે તો બીજી બાજુ ભુંડ, નિલગાયના ત્રાસથી લાખોનું નુકશાન ખેડૂતો સહન કરી રહ્યા છે. ખેતીવાડી વિસ્તારમાં વિજળી પણ પુરા આઠ કલાક અપાતી ન હોવાની ફરિયાદ ઉઠી છે. સઘળા પ્રશ્નો અંગે મહુવા સહિતના ખેડૂતો દ્વારા રૂબરૂ પ્રશ્નો રજૂ કરશે. કપાસ, ડુંગળીના ગગડતા ભાવમાંથી ખેડૂતોને ઉગારવા તેમજ ગુજરાતમાં રોઝડાની વસ્તી દોઢ લાખથી વધારે છે, સવા લાખની વસ્તી ભુંડની છે તેમજ બે લાખથી વધારે રખડતા ઢોર અને ખુંટીયા છે. કુલ પાંચ લાખની આસપાસ પ્રાણીઓ ગુજરાતમાં (પર ડે) રોજનું ઓછામાં ઓછુ ખેડૂતોના ખેતી પાકોમાં રૂપિયા પંદર હજાર કરોડથી વધારેનું ખાઇ જાય છે અને ખેતીપાકો ખેદાનમેદાન કરી નુકશાન કરે છે
તેમજ આ પ્રાણીઓના ત્રાસથી ખેતીપાકો બચાવવા પાછળ ગુજરાતના ખેડૂતોને રોજના ઓછામાં ઓછા બસો કરોડનો ખર્ચ કરવો પડે છે. ખેતીવાડીમાં વિજળી આઠ કલાક આપવામાં આવે છે પણ જુદા જુદા તાલુકાનું ગુપ્ત સર્વે કરાવતા ખેતીવાડીમાં વિજળી ૫ કલાક ૨૮ મીનીટ અને ૧૩ સેકન્ડ વિજળી ખેડૂતોને મળે છે. ખેડૂતોને અઢી કલાક વિજળી ઓછી મળી અને વિજ કચેરી પુરા આઠ કલાકો કાગળ ઉપર બતાવે છે. આવી વિના વાંકે ખેડૂતોને ભોગવવી પડતી અનેક સમસ્યાઓ તા.૨૨ પહેલા સરકાર ઉકેલ લાવે અન્યથા ખેડૂતો હક્ક અને અધિકાર માટે તા.૨૪ને મંગળવારે સવારે ૧૦ કલાકે મહુવા માર્કેટીંગ યાર્ડમાં ખોડીયાર માતાજીના મંદિરે મહાસંમેલન કરી ખેડૂતો ખુદ પોતાની વેદના સ્વમુખે રજૂ કરશે. તેમજ તા.૩૧ આસપાસ ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં ભાવનગર-બોટાદ અને અમરેલી જિલ્લાના ખેડૂતો માટે જંગી સંમેલન કરી ખેડૂતોના હક્ક અને અધિકાર માટે ગુજરાતભરમાં લડત આપવાના શ્રીગણેશ કરવા ચિમકી ઉચ્ચારી છે. અહીં સંમેલનમાં જિલ્લાભરના ખેડૂતોને ઉમટી પડવા હાંકલ કરવામાં આવી છે