Food
જામનગરના 175 વર્ષ જૂના ઠાકર પેંડા! જેટલા બને તેટલા વેચાઈ જાય છે
આપણે ત્યાં એક વાત ખુબ જ જાણીતી છે કે ”કોક, દી કાઠિયાવાડમાં ભૂલો પડ, તને સ્વર્ગ રે ભૂલવું શામળા” કાઠિયાવાડના લોકો પોતાના મહેમાનને ભગવાન ગણે છે. અને તેની મહેમાનગતિ માટે જાત-જાતના પકવાન બનાવી ખવડાવે છે. આ પકવાનમાં એક મીઠાઈ તો જરૂર હોય છે. એવુ પણ કહેવાય છે કે કાઠિયાવાડના લોકોની બોલી પણ મીઠી હોય છે. મીઠી બોલી પાછળનું કારણ છે અહીંના લોકોની મીઠાઈ, રાજકોટ અને જામનગરની મીઠાઈ લોકોને એવી દાઢે વળગે છે કે દેશ વિદેશથી લોકો મંગાવે છે. આવી જ એક ફેમસ મીઠાઈ જે જામનગરમાં મળે છે..
જામનગરમાં કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે સારા પેંડા અને બાસુંદી કયાં મળે તો એક જ જવાબદારી હશે, ઠાકર પેંડા. જામનગરમાં હવેલી રોડ પર તાડકેશ્વર મહાદેવના મંદીરની બાજુમાં આવેલી છે આ ઠાકર પેંડાની દુકાન. અહીં પહોંચતા જ દુકાન જુનવાણી હોવાનો અંદાજ આવી જાય છે. આ દુકાનમાં આજે પાંચમી પેઢીએ વારસો સંભાળી લીધો છે. બાપ-દાદાની જેમ જ તેઓ જૂની રીતથી પેંડા બનાવી વેંચી રહ્યા છે. તો તેમને ત્યાંથી પેંડા લઇ જતા ગ્રાહકો પણ જૂના છે જેઓ વર્ષોથી અહીંથી જ પેંડા અને બાસુંદી ખરીદે છે.
જામનગરમાં ઠાકર પેંડાનું ખુબ જ મોટુ નામ છે, તેમને ત્યાં તૈયાર થતી બાસુંદી અને પેંડાના એટલા ઓર્ડર મળે છે કે તેઓ જેટલું બનાવે તેટલું આખો દિવસમાં વહેંચાઈ જાય છે. તો આ દુકાનના માલિક નવીનભાઈ ઠાકરનું કહેવું છે કે અમે લોકોને શુદ્ધ મીઠાઈ જ ખવડાવીએ છીએ, અમે દરરોજ પેંડા અને બાસુંદી બનાવીએ છીએ, એટલે કે એજ મીઠાઈ બીજા દિવસે વેચતા નથી.