Palitana
પાલિતાણાના રહેણાંક વિસ્તારમાં લોહીનો વેપાર કરાવતા દંપતી સહિત ત્રણને ઝડપી પાડ્યા ; બે યુવતીઓને મુક્ત કરાવાઈ
વિશાલ સાગઠિયા
પાલીતાણા શહેરમાં આવેલ એક રહેણાંકી મકાનમાં ઘણાં સમયથી આર્થિકરીતે જરૂરિયાતમંદ મહિલાઓની મજબૂરીનો એક દંપતીએ ગેરલાભ લઈ ભાડાના મકાનમાં વેશ્યાવૃત્તિ નો વેપાર ચલાવતા હોય જેને પાલીતાણા ટાઉન પોલીસે કુટણખાના પર રેડ કરી ઝડપી લીધા છે. જૈનોની પરમ તિર્થભૂમિ અને અહિંસાની નગરી ગણાતા વિશ્વવિખ્યાત પાલીતાણા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઈંગ્લીશ દારૂ, દેહનો વેપાર સહિતની અસામાજિક બદ્દીઓ એ માઝા મૂકી છે ત્યારે પોલીસને રજૂઆતો મળી હતી કે શહેરના શક્તિનગરમાં મકાન ધરાવતો દિનેશ ઉર્ફે દિલો મકવાણા ઉ.વ.40 એ પોતાનું મકાન મૂળ ભાદાવાવ ગામના વતની અને હાલ પાલીતાણામાં રહેતા રમેશ બારૈયા ઉ.વ.35 ને ભાડે આપ્યું છે અને આ રમેશ તેની પત્ની હંસા બારૈયા ઉ.વ.40 સાથે મળી ભાડાના મકાનમાં હંસા બહારથી આર્થિક રીતે જરૂરિયાતમંદ મહિલાઓને બોલાવી વેશ્યાવૃત્તિનો કારોબાર ચલાવે છે અને દરરોજ મોટી સંખ્યામાં પુરૂષો આ મકાનમાં અવરજવર કરે છે.
આ વિસ્તારમાં સભ્ય-સંસ્કારી પરિવારો રહેતા હોય આથી આ ગોરખધંધો બંધ કરાવવા માંગ કરી હતી,જેમાં ગતરાત્રીના સમયે પોલીસે શક્તિનગરમાં રેડ કરતા હંસા બારૈયા, રમેશ બારૈયા, દિનેશ અને બે પરપ્રાંતિય મહિલાઓ મળી આવી હતી. આરોપીઓએ પ્રાથમિક પુછપરછમાં કબૂલાત કરી હતી કે પરપ્રાંતિય મહિલાઓને શોધી લાવવાનું કામ હંસા કરતી હતી અને રમેશ તથા દિનેશ શરીર સુખ માણવા ઈચ્છુક પુરુષ ગ્રાહકોને લાવવાનું કામ કરતા હતા આ વેશ્યાવૃત્તિના રેકેટમાં ત્રણેય વ્યક્તિઓ કમિશન મેળવી અમૂક રકમ પરપ્રાંતિય મહિલાઓને આપતા હોવાનું જણાવ્યું હતું, પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ તથા અન્ય સામગ્રી મળી કુલ રૂ.11,000નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓને લોકઅપ હવાલે કરી બંને પરપ્રાંતીય મહિલાઓના નિવેદનો નોંધી જવા દીધી હતી, આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.