Sihor
સિહોરમાં ઉતરાયણ પર્વનો થનગનાટ, કાલથી ધરાકી ખુલવાની વેપારીઓને આશા

બુધેલીયા
નવા વર્ષનાં પ્રથમ તહેવાર મકરસંક્રાતિ પર્વની શનિવારે થશે ઉજવણી, આ વર્ષે પતંગ અને દોરીની કિંમતમાં 10 થી 30 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે
શનિવારે નવા અંગ્રેજી વર્ષનો પ્રથમ તહેવાર મકરસંક્રાતિ પર્વની ઉજવણી થનાર છે. ઉતરાયણ પર્વને આડે હવે માત્ર બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે સિહોરની બજારોમાં પતંગ-દોરામાં જોવા મળેલ મંદી દુર થઈ કાલથી છેલ્લી ઘડીની ખરીદી શરૂ થવાની અને ઘરાકી ખુલવાની વેપારીઓને આશા છે. આ અંગેની વધુ વિગત એવી છે કે, ઉતરાયણ પર્વને હવે ગણતરીનાં માંડ બે દિવસ બાકી રહ્યાં છે.
પતંગ દોરા ખરીદવા અને માંજો પવરાવા લોકો બજારમાં નીકળતા જોવા મળી રહ્યાં છે. સિહોરની બજારોમાં ઠેરઠેર દોરી-માંઝા પીવડાવી આપતા ચરખાવાળા, પતંગના નાના-મોટા વેપારીઓને ત્યાં ઘરાકી જોવા મળી રહી છે. જોકે કાલથી બે દિવસ વધુ ઘરાકી રહેશે. ઘણા પતંગ રસીયા છેલ્લી ઘડીએ પતંગ-દોરા ખરીદતા હોય છે. ગત વર્ષ કરતા આ વર્ષે પતંગ અને દોરીની કિંમતમાં ૧૦ થી ૩૦ ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં પતંગરસીયા હોંશે હોંશે માંઝા તેમજ પતંગ ખરીદી રહ્યાં છે.
આ વર્ષે બજારમા મોટુ પતલુ, કેજીએફ, છોટાભીમ, ફ્રી ફાયર, મીકી માઉસ જેવા પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નડીયાદ, અમદાવાદ, ખંભાતથી આવતા પતંગ અને સુરત, અમદાવાદ, યુપીથી આવતા દોરા પતંગબાજોમાં ફેવરીટ રહ્યાં છે. અત્યાર સુધી પતંગ-દોરામાં મંદી જેવું વાતાવરણ હતું પરંતુ ઉતરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી કાલથી ઘરાકી નીકળશે તેમ મનાય છે. હાલમાં સિહોરની બજારોમાં રંગબેરંગી, અવનવી ડિઝાઈનોવાળી પતંગો, દોરા અને માંઝો પાતા ચરખાવાળાને ત્યાં ઘરાકી શરૂ થઈ ગઈ છે.
લોકો ઉતરાયણનાં દિવસે ઉંધીયું-જલેબી, ચિકી, શેરડી, બોર, ચણા, મમરા-તલના લાડુ, કચરીયું વિગેરે ખાવાની પણ મજા માણશે ખાણીપીણીની આ ચીજો અને પતંગ-દોરામાં ગત વર્ષ કરતા સરેરાશ ૧૦ થી ૩૦ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળે છે. પરંતુ ઉત્સવપ્રિય સિહોરીઓ તહેવારની મજા માણવામાં પાછી પાની કરતા નથી. ઉતરાયણ પર્વે દાનપુણ્યનો પણ ખુબ જ મહિમા છે. ઝાલાવાડ પંથકમાં આવેલ વિવિધ પાંજરાપોળ, ગૌશાળાઓમાં આશ્રય લેતા અબોલ જીવોનાં લાભાર્થે જીલ્લ્માં વિવિધ જગ્યાએ ઉતરાયણનાં દિવસે દાન સ્વીકાર કેન્દ્રો ખોલવામાં લોકો તેમાં ઉદાર હાથે ફાળો આપે અને જીવદયાનાં કાર્યોમાં સહભાગી બને તે પણ જરૂરી છે.