Sihor
ઉતરાયણ પર્વમાં પતંગ કરતા પોતાના જીવની ખેવના કરવી જરૂરી

દેવરાજ
વીજતારમાં ફસાયેલ પતંગ લેવા થાંભલે ચડવું જોખમી : પીજીવીસીએલ દ્વારા સંભવિત અકસ્માતો અંગે સાવચેત રહેવા લોકોને અપીલ કરાઇ
વીજ કંપની દ્વારા ઘણી હેવી લાઇનો અંડરગ્રાઉન્ડ કરી નાખી છે પરંતુ હજુ પણ ઘણી લાઇનો થાંભલેથી થાંભલે દોડી રહી છે ત્યારે આગામી ઉતરાયણ પર્વને લઇ પતંગ માટે જીવ જોખમમાં ન મુકવા તંત્ર દ્વારા અપીલ કરાય છે અને સાવચેત રહેવા જણાવ્યું છે. સિહોર ભાવનગર સહિત જિલ્લા પીજીવીસીએલ કચેરી દ્વારા આગામી ૧૪ તારીખે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવેલી છે.
જેમાં તેમણે નજીવી કિંમતની પતંગ માટે જીવ જોખમમાં ન મુકવા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. જેમાં વીજળીના તારને નહીં અડવા, પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય ત્યારે તેને લેવા માટે થાંભલા ઉપર કે તાણીયા ઉપર નહીં ચડવા જણાવ્યું છે. વીજળીના વાયર/તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહી. આ રીતે નાખીને તેને ખેંચવાથી વીજળીના તાર ભેગા થતા મોટા ભડકા થવાથી તાર તૂટી જવાની, અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો (ઉપકરણો) બળી જવાની સંભાવના રહેલી છે.
ઘરની આજુબાજુમાં કે કોઇપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કોશીષ કરશો નહી, કારણકે તેનાથી વીજ અકસ્માત થવાની પુરેપુરી શક્યતા છે. ધાતુના તાર બાંધીને પતંગ ઉડાડશો નહી કારણકે ધાતુના તાર વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જાવાની સંભાવના રહે છે.
વીજળીના તૂટેલા તારથી દુર રહો. પતંગ ચગાવવા માટે મેગ્નેટિક ટેપ તથા અન્ય વાયરોનો ઉપયોગ કરવો નહી. સિન્થેટીક દોરી કે વીજવાહક માંજાનો ઉપયોગ કરવો નહી કેમકે તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે, જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે.