Sihor
સિહોર ; સર્વોત્તમ ડેરીની ૨૨મી વાર્ષિક સાધારણ સભા વિશાળ સભાસદો સાથે મળી

બ્રિજેશ
શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., સર્વોત્તમ ડેરીની ૨૨મી વાર્ષિક સાધારણ સભા સંઘના સ્થાપક ચેરમેનશ્રી મહેન્દ્રભાઇ પનોતના અધ્યક્ષસ્થાને તા. ૧૬/૦૮/૨૦૨૩ના રોજ સર્વોત્તમ દાણ ફેકટરી મું. સર ખાતે મળી જેમાં સંઘના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટરશ્રી એચ.આર.જોષી, ડાયરેક્ટરશ્રીઓ તથા સભાસદ મંડળીઓના પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં હાજર રહયા હતા અને એજન્ડા મુજબની તમામ કાર્યવાહી સર્વાનુમતે પસાર કરવામાં આવી. ૨૨-૨૩ની વાર્ષિક સાધારણ સભાના તમામ ઠરાવો સર્વાનુમતે પસાર થયા બાદ સભામાં ઉપસ્થિત રહેલ ૧૦૦ % સભાસદ મંડળીના પ્રતિનિધિઓનું સ્વાગત પ્રવચન સંઘના ડાયરેક્ટરશ્રી મુળરાજસિંહ પરમારે કર્યુ હતું. સને.૨૦૨૨-૨૩માં સર્વોત્તમ ડેરીને સૌથી વધારે દૂધ આપનાર ૧ થી ૧૦ નંબરને તથા સર્વોત્તમ દાણ વેચનાર ૧ થી ૧૦ ક્રમ મેળવનાર મંડળીઓના પ્રમુખશ્રી તથા મંત્રીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યા. સંઘના ડાયરેકટરશ્રી માવજીભાઇ ભાલીયાએ ઓછા પશુએ વધારે દૂધ ઉત્પાદન થાય તેના પર ભાર મુકેલ.
સંઘના સ્થાપક ચેરમેનશ્રી મહેન્દ્રભાઇ પનોતે સંઘના દૂધ ઉત્પાદકોનું જીવનસ્તર ઉંચુ લાવવા માટેની જે જે પ્રવૃત્તિઓ સંઘ દ્વારા ચલાવવામાં આવે છે તેના વિકાસની ઝાંખી કરાવી અને જે મંડળીઓ આ પ્રવૃત્તિઓમાં ઓછો રસ લેતી હોય તેને આ કાર્યો વધારેમાં વધારે અપનાવી દૂધ ઉત્પાદકોને વધારે લાભ થાય તેવા પ્રયત્નો કરવા માટે હાંકલ કરેલ. ભારત હાલમાં જી૨૦-૨૦૨૩ અને મિલેટસ-૨૦૨૩ વર્ષ ઉજવી રહેલ છે તે અંતર્ગત માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી અને માન. સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ ધ્વારા સહકારથી સમૃધ્ધિ વધે તેવા પ્રયાસો કરવા તેમજ પાકૃતિક ખેતી અપનાવવા સહકારી ક્ષેત્રને મહત્વનું અંગ ગણાવી પાકૃતિક ખેતી અપનાવવા હાલ કરેલ તે વિશે વિસ્તૃત સમજણ આપી. સમગ્ર સભાનું સફળ સંચાલન તેમજ સંઘની વિકાસ ગાથા, ખેડૂતેને બે પાંદડે કરવા માટે સર્વોત્તમ દાણનો વપરાશ, મોંઘા પશુધનને દૂધ ઉત્પાદક્તા વધારવા માટે સેક્સ સિમેન ડોઝનો વધુ ઉપયોગ તથા આગામી સમયનું આયોજન સંઘના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટરશ્રી એચ.આર.જોષીએ પોતાની રસાળ શૈલીમાં કર્યુ હતું. આભાર વિધિ સંઘના ચિફ જનરલ મેનેજરશ્રી વાય.એચ.જોષીએ કરી હતી. સાધારણ સભામાં દર વર્ષની માફક આ વર્ષે પણ ૧૫ ટકા ડિવિડન્ડ ચુકવવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આથી ઉપસ્થિત રહેલ મંડળીના પ્રતિનિધિઓમાં હર્ષની લાગણી પ્રસરી હતી.