Sihor
નઈ તાલીમનો મૂળ વિચાર શ્રી નાનાભાઈ ભટ્ટે આપ્યો જેને મહાત્મા ગાંધીએ વિસ્તાર્યો – શ્રી ભદ્રાયુ વછરાજાની

કુવાડિયા
સિહોરના આંબલા સ્થિત શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં વાર્ષિકોત્સવ યોજાયો
ગોહિલવાડના ગૌરવરૂપ રાષ્ટ્રિય વિરાસત શાળા શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે યોજાયેલ વાર્ષિકોત્સવમાં શિક્ષણવિદ્ લેખક શ્રી ભદ્રાયુ વછરાજાનીએ અહીંની કેળવણી સંદર્ભે વાત કરતા કહ્યું કે, નઈ તાલીમનો મૂળ વિચાર શ્રી નાનાભાઈ ભટ્ટે આપ્યો હતો, જેને મહાત્મા ગાંધીએ વિસ્તાર્યો હતો. શિક્ષણવિદ્ લેખક શ્રી ભદ્રાયુભાઈ વછરાજાનીએ વાર્ષિકોત્સવ પ્રસંગે ઉદબોધનમાં શિવના દક્ષિણામૂર્તિ સ્વરૂપના તત્વ દર્શન સાથે લોકશિક્ષણ કેળવણી વિશે મનનીય વાતો કરી.
તેમણે કહ્યું કે, નઈ તાલીમનો મૂળ વિચાર શ્રી નાનાભાઈ ભટ્ટે આપ્યો હતો, જેને મહાત્મા ગાંધીએ વિસ્તાર્યો હતો અને રાષ્ટ્ર સમાજ સુધી વ્યાપ થયો. શ્રી દક્ષિણામૂર્તિદેવના ત્રણ સ્વરૂપ વિષે જણાવતા સજગ, સમજ અને જ્ઞાન અંગે વિગતે ચિંતન રજૂ કર્યું જેની સાથે માહિતી તથા જ્ઞાન વચ્ચેનો ભેદ જણાવ્યો. તેઓએ વધુમાં ગાંધીજીની આત્મકથાના ઉલ્લેખ સાથે પ્રાસંગિક વાત કરી. શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણારના સંયુક્ત વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્થાના દિવંગત શ્રી નટવરલાલ બૂચ ‘બૂચદાદા’ની આજે પૂણ્યતિથિ હોઈ તેના સ્મરણ શ્રદ્ધાંજલિ સાથે અહી મહાનુભાવોના હસ્તે પ્રારંભે દીપ પ્રાગટ્ય કરાયું હતું.
આ પ્રસંગે સંસ્થાના શ્રી પ્રશાંતભાઈ ભટ્ટે નવી શિક્ષણનીતિમાં આ સંસ્થાના મૂલ્યોનો સમાવેશ થયાનો હરખ વ્યક્ત કરી ૮૫ વર્ષ પૂરા કરતી આ વિરાસત શાળાનું કામ થયું, ઊગ્યું અને સમાજમાં વિસ્તર્યું હોવાનું જણાવ્યું. અહી પ્રારંભે આવકાર ઉદબોધન શ્રી સુરશંગભાઈ ચૌહાણે કરેલ અને અહી ઉપસ્થિત રહેનાર જામનગર શ્રી આણદાબાવા સંસ્થાના શ્રી દેવપ્રસાદજી મહારાજ નાદુરસ્ત તબિયતના કારણે આવી ન શક્યાનું જણાવી એ ધાર્મિક સંસ્થાના સામાજિક ચેતનાના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેએ આભાર દર્શન વેળાએ જણાવ્યું કે અહી આભારના બદલે આનંદ વ્યક્ત કરવો છે, બંને સંસ્થાના વિકાસ અંગે સંતોષ વ્યક્ત કરી હવે ઘણી ભૌતિક સુવિધા બાદ કૌશલ્ય અને સમાજ કલ્યાણ માટે કાર્યરત રહેવા ભાવ જણાવ્યો. તેઓના હસ્તે શ્રી ભદ્રાયુભાઈ વછરાજાનીને ચાદર અર્પણ કરાઈ હતી