Palitana
પાલિતાણા શત્રુંજય ગિરિરાજની 99 યાત્રામાં 7 વર્ષથી 70 વર્ષના આરાધકો જોડાયા : નવી પેઢીમાં ઉમળકો
પવાર
ઉનાળુ વેકેશનમાં મોજશોખનાં બદલે યુવા વર્ગનાં ધર્મસ્થાનમાં ધર્મ કાર્ય : ધોમધખતા તાપમાં દરરોજની ત્રણ યાત્રા
શાશ્ર્વત શત્રુંજયમાં શ્રી આદિનાથ ભગવાનની છત્રછાયામાં અયોધ્યાપુરમ તીર્થ પ્રેરક બંધુબેલડી પૂ.આ. શ્રી હેમચંદ્રસાગરસૂરી મ.સા. પૂ. આ. શ્રી વિરાગચંદ્રસાગરસૂરી મ.સા.ની પાવન નિશ્રામાં જંબુદ્વીપ સંકુલ માં શાશ્ર્વત પરિવાર આયોજિત ઉનાળુ વેકેશનમાં ગિરિરાજની 99 યાત્રાનો માહોલ સરસ જામ્યો છે. આ યાત્રામાં અઢીસો જેટલા નાના મોટા આરાધકો સુરત, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, ભુજ, વડોદરા, મુંબઈ, આકોલા, રતલામ, ઇંદોર, ઉજ્જૈન, મંદસૌર વગેરે અનેક શહેરોના યુવક યુવતીઓ જોડાયા છે. આ ઉનાળાની ભરગરમીમાં દરેક આરાધક ઓછામાં ઓછી ત્રણ યાત્રા તો રોજ કરે છે. ઉનાળા ના વેકેશનના મોજશોખ, હરવા ફરવાના સમયે આ યુવાનો ધર્મસ્થાનમાં આવીને ધર્મ કરે છે આ જિનશાસનની બલિહરી છે. આજના કાળમાં જ્યાં ગન કલ્ચર, ગેમ કલ્ચર, પબ-પાર્ટી કલ્ચર, વેસ્ટન કલ્ચર માઝા મૂકી રહ્યું છે અને યુવાનોના સંસ્કાર, શ્રદ્ધા, ચરિત્રને બરબાદ કરી રહ્યું છે અને ભારતીય સંસ્કૃતિને બહુ મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે. તેવા સમયે જિનશાસન તથા જૈન સંતો રાષ્ટ્રનિર્માણ માટે એક અદકેરુ કાર્ય કરી રહ્યા છે. જેમ જળ સુરક્ષા, પર્યાવરણ સુરક્ષા, પૃથ્વી સુરક્ષાના પ્રકલ્પો ચાલે છે તેમ આ યાત્રામાં આરાધકોએ રાષ્ટ્ર સુરક્ષા, ધર્મ સુરક્ષા, સંસ્કૃતિ રક્ષા ની સાથે શત્રુંજય તીર્થની રક્ષા ના સંકલ્પો લીધા.
આ 99 યાત્રા પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન આ શત્રુંજય ગિરિરાજ ઉપર 99 વાર પધાર્યા હતા તેના અનુકરણ રૂપે આત્માના કલ્યાણ માટે કરવામાં આવે છે. આ યાત્રાના કારણે આધ્યાત્મિક લાભ તો થાય છે સાથે સાથે શારીરિક માનસિક લાભો પણ થાય છે. આ યાત્રાના કારણે જીવનમાં નિશ્ચલતા, સહનશીલતા, ધીરતા, નિયમિતતા, વિનય, વિવેક વગેરે અનેક સદગુણો પણ પ્રગટે છે. આ 99 યાત્રા 7 વર્ષના નાના ભૂલકાઓથી માંડીને 70 વર્ષના વૃદ્ધો પણ આનંદપૂર્વક કરી રહ્યા છે. આ યાત્રામાં નિત્ય એકાસણાની તપસ્યા કરવામાં આવે છે. તથા સવાર સાંજ પ્રતિક્રમણ, પ્રવચન વગેરે આરાધનાઓ પણ સાથે કરવામાં આવે છે. તથા આરાધનાની સાથે સાથે રમત-ગમત પ્રભુભક્તિ વગેરે અવનવા અનુષ્ઠાનો પણ કરાવવામાં આવે છે. જેના કારણે બાળકો શરીરથી સ્વસ્થ બને અને તેમનું મગજ પાવરફુલ બને છે. શાશ્ર્વત પરિવાર આયોજિત આ 11મી 99 યાત્રાના મુખ્ય લાભાર્થી માતુશ્રી રજનીબેન રશ્મિકાંત કંપાણી પરિવાર છે. શાશ્વત પરિવારના મુખ્ય સંચાલક રમેશભાઈ શાહ દ્વારા યાત્રા કરનાર આરાધકોને માટે તમામ વ્યવસ્થા નું આયોજન કરવામાં આવેલ છે તેમજ તેમની સાથે 10 કાર્યકર્તા પણ પોતાના ઘર-ધંધા છોડીને માત્ર સેવા માટે અહીં આવ્યા છે. આ 99 યાત્રા તા. 6-6-23 ના રોજ પૂર્ણ થશે. નિત્યક્રમ સવારે 4:00 વાગે ઉઠવાનું સવારે 4:30 વાગે પૂજ્ય શ્રી માંગલિક ની સાથે યાત્રાનો પ્રારંભ બપોરે 12:30 વાગે એકાસણુંસાંજે 04:30 વાગે પૂજ્યનું વેધક પ્રવચન સાંજે 7:30 થી 8:30 વાગે પ્રતિકમણ રાત્રે 9:00 વાગે શયન થાય છે.