Palitana
એલસીબીએ પાલિતાણામાંથી એક શખ્સને પિસ્ટલ અને કાર્ટિસ સાથે ઝડપી પાડ્યો
Pvar
ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ તથા પેરોલ ફર્લો સ્કવોડ એ પાલીતાણા શહેરમાં પેટ્રોલીંગ દરમ્યાન એક શખ્સને દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટિસ સાથે ઝડપી લીધો હતો. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા પેરોલ ફર્લો સ્કવોડ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, પાલીતાણાથી લુવારવાવ ગામ તરફ જવાના રોડપર એક શખ્સ ઉભો છે અને તેના કબ્જામાં પિસ્ટલ જેવું હથિયાર ધરાવે છે આથી ટીમો એ તત્કાળ સ્થળપર પહોંચી એક શખ્સને અટકમાં લઈ તેને નામ-સરનામું સાથે અંગ ઝડતી હાથ ધરી હતી.
જેમાં અટક કરાયેલ શખ્સે પોતાનું નામ ફિરોઝ નોડીયા ઉ.વ.39 રે.બહારપરા બાવગરવાળી શેરી સામે પાલીતાણા વાળો હોવાનું જણાવેલ આ શખ્સના કબ્જા માંથી દેશી બનાવટની પિસ્ટલ તથા બે જીવતા કાર્ટિસ બંને ની કુલ કિંમત રૂ.5,200 હથિયારના પરવાના-લાઈસન્સ વિના મળી આવતા એલસીબી એ પિસ્ટલ-કાર્ટિસ કબ્જે કરી આરોપીને પાલીતાણા ટાઉન પોલીસને હવાલે કરી તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આરોપી-મુદ્દામાલ સોંપવામાં આવ્યો હતો, આ પિસ્ટલ આરોપીઓએ ત્રણ વર્ષ પહેલાં મૂળ હરિયાણાના વતની અને હાલ પરીમલ સોસાયટી પાલીતાણામાં રહેતા માહુખાન ઉર્ફે મોઈન સુલતાન સૈયદ પાસેથી ખરીદી હોવાનું ફિરોઝએ જણાવ્યું હતું, આ અંગે પોલીસે ઉંડી તપાસ હાથ ધરી છે.