Bhavnagar
સિહોર પંથકમાં તહેવારોના ટાણે જ દૂધમાં ભેળસેળથી ફેટ વધારવાનો ધંધો
આકસ્મિક ચેકિંગ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ : દૂધની તંગીનો ગેરલાભ લેવા દૂધ, માવા, ઘી, માખણ પણ કુત્રિમ નુસખાથી બનાવતા હોવાની ફરિયાદ
સિહોર શહેર અને તાલુકામાં તહેવારોના સમયમાં દૂધની અધિક માંગ અને અને તંગીનો લાભ લેવા તેમજ વધારે ભાવ લેવા માટે રીતે દૂધમાં ભેળસેળ થતી હોવાની બૂમ ઉઠી છે છેલ્લા વર્ષોમાં સ્થાનિક કક્ષાએ દૂધની વિપુલ માંગ અને વધતા જતા ભાવોને કારણે ઉંચા ભાવો મેળવવા દૂધને કુત્રિમ રીતે વધુ ફેટવાળુ બનાવવા જાત જાતનાં નુસખાઓ અપનાવી વિવિધ પ્રકારે દૂધમાં ભેળસેળ થતી હોવાની આમ ફરીયાદ ઉઠી છે. તેમજ હવે તો માવો, ઘી, મીઠાઇઓમાં પણ ભેળસેળ થાય છે. જેને અંકુશમા લેવા માટે સંબંધિત વિભાગે આકસ્મિક રીતે ચેકિંગ કરીને કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી સામાન્ય વપરાશકારોમાં માંગ ઉઠવા પામી છે. છેલ્લા દસકામાં વિકસતા ડેરી ઉદ્યોગે ગામડે ગામડે દૂધની વિપુલ માંગ ઉભી કરી છે જેના કારણે તાલુકામાં રચાયેલ સહકારી દૂધ મંડળીઓ દ્વારા પશુપાલકો પાસેથી દુધ સંપાદન કરીને દૈનિક રીતે સ્થાનિક સહિતની ડેરીઓમાં દૂધ સપ્લાય કરે છે.
આ ડેરીમાં ફેટ માપીને દૂધની ગુણવત્તા નક્કી કરીને તેના ભાવો આપવામાં આવે છે. ઉપરાંત તાલુકાનાં મોટા ગામોમાં પણ દૂધ વિતરણ કરતા એકમોનો વ્યાપ વધતો જાય છે. જેમાં થતી હરિફાઇને કારણે જાડુ, મીઠુ, મલાઇદાર દૂધ બને અને ફેટ વધુ આવે તે માટે વિવિધ નુસખાઓ અપનાવાય છે જે વપરાશકારો માટે હાનિકારક છે. દૂધ તથા દૂધની બનાવટો જેવી કે દહી, માખણ, ઘી, માવા, મિઠાઇ વગેરેમાં છેલ્લા વર્ષોમાં જ ભાવો લગભગ બમણા થઇ ગયા છે છતાં તેમાં કોઇપણ શુદ્ધતાની ખાતરી ન હોય તેવી સ્થિતિમાં આમ વપરાશકારો જાણ્યે અજાણ્યે દૈનિક આહારમાં ભેળસેળનો ભોગ બનવુ પડે છે. હાલ તહેવારોની મોસમ ચાલી રહી હોય દૂધની કૃત્રિમ અછતના નામે દૂધમાં ભેળસેળ કરીને ફેટ વધારવાનો આ ધંધો ફુલ્યોફાલ્યો છે ત્યારે પગલા લેવા જરૂરી છે. ફેટ વધારવાની તરકીબો જોખમી છેદુધ જાડુ અને ફેટ વાળુ બને તે માટે તેમાં મધ, ખાદ્યતેલ, એરંડા તેલ, વનસ્પતિ ઘી ઉપરાંત ક્યારેક યુરિયા અને ડિટર્જન્ટ જેવા અખાદ્ય પદાર્થોનો ઉપયોગ થતો હોય છે.