Palitana
માંડવીયાના ગઢમાં કોંગ્રેસે વધુ બેઠક મેળવી
વિશાલ સાગઠિયા
પાલિતાણા નગરપાલિકાની બે વોર્ડની પાંચ બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ત્રણ પર કૉંગ્રેસ અને બે પર ભાજપનો વિજય
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પાલીતાણાના કદાવર નેતા મહેન્દ્રસિંહ સરવૈયાના ગઢમાં કોંગ્રેસને વધુ બેઠકો મળતા ભાજપમાં સન્નાટો, કોંગ્રેસ ગેલમાં, પાંચ માંથી ત્રણમાં પંજો લહેરાયો
પાલિતાણા નગરપાલિકાના બે વોર્ડની ખાલી પડેલી પાંચ બેઠકો પર રવિવારે યોજાયેલી પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે મનસુખ માંડવિયા અને પાલીતાણાના કદાવર નેતા મહેન્દ્રસિંહ સરવૈયાના ગઢમાં કૉંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. પાંચમાંથી ત્રણ પર કૉંગ્રેસે જીત મેળવી છે. જ્યારે બે બેઠકો ભાજપના ફાળે ગઈ છે. વોર્ડ નંબરની 1 બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારનું સુપ્રિમ કોર્ટમાં ફોર્મ રદ થયા બાદ તેના ડમી ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા જેની જીત થઈ છે. પાલીતાણા તાલુકાની નગરપાલિકાની બે વોર્ડની પાંચ બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 1ની ત્રણ બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. જ્યારે વોર્ડ નંબર 7ની બે બેઠકો પર ભાજપની જીત થઈ છે. કુલ પાંચ બેઠકો માટે મતદાન યોજાયું પાલિતાણા નગરપાલિકાની વોર્ડ નંબર એકમાં 55.24 ટકા મતદાન થયેલ છે જ્યારે વોર્ડ નંબર સાતમા 49.82 ટકા મતદાન થયું હતું, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન થયું હતું, આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી, પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં કુલ મતદારો 5786 હતા. તેમાંથી 3196 મતદારોએ મતદાન કરેલ કુલ 55.24 ટકા મતદાન થયેલ. જ્યારે વોર્ડ નંબર સાતમાં કુલ મતદારો 6295 હતા તેમાંથી 3136 મતદારોએ મતદાન કરતા કુલ 49.82 ટકા મતદાન થયેલ છે.
વોર્ડ નંબર 1 ની ત્રણ બેઠકો અને વોર્ડ નંબર સાતની બે બેઠકો મળી કુલ પાંચ બેઠકો માટે મતદાન યોજાયું હતું, જેમાં પાંચ બેઠકો માટે પાંચ ભાજપના અને પાંચ કોંગ્રેસના ઉમેદવારો સામસામે હતા. પાલીતાણા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના ઉમેદવાર ઓમદેવસિંહ સરવૈયાનું ફોર્મ પાલીતાણાના આસી. કલેકટર અને ચૂંટણી અધિકારીએ અમાન્ય ઠેરવ્યું હતું જેની સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને હાઇકોર્ટ દ્વારા રીટ પીટીશન સ્વીકારીને ઠેરવ્યું હતું કે ચૂંટણી અધિકારીએ ઉમેદવારી રદ કરેલ તે માન્ય રાખવી અને ઓમદેવસિંહને ચૂંટણી લડવાની મંજૂરી આપેલ હતી. આ હુકમ સામે ચૂંટણી અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલ જેની સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવેલ છે અને ચૂંટણી અધિકારીએ જે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરેલ છે તે માન્ય રાખેલ છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઓમદેવસિંહ સરવૈયાનું ચૂંટણી ફોર્મ રદ થતા હવે તેમના સ્થાને કોંગ્રેસના ડમી ઉમેદવાર કિરીટભાઈ સાગઠીયા કોંગ્રેસના સિમ્બોલ સાથે ચૂંટણી લડ્યા હતા અને વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવાર અને ભાજપના ત્રણ ઉમેદવારો વચ્ચે ખરા-ખરીનો જંગ ખેલાયો હતો, જેમાં કોંગ્રેસના ત્રણેય ઉમેદવારોએ બાજી મારી હતી.
કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના નેતાના ગઢમાં કોંગ્રેસને વધુ બેઠકો મળી
પાલિતાણા નગરપાલિકાની પાંચ બેઠકની પેટા ચૂંટણીમાં આજે મંગળવારે કોંગ્રેસના ત્રણ ઉમેદવારનો વિજય થયો છે જ્યારે ભાજપના બે ઉમેદવારો જીત્યા છે ત્યારે ભાજપના ગઢમાં કોંગ્રેસને વધુ બેઠકો મળતા ભાજપમાં સન્નાટો છવાય ગયો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ગુજરાત ભાજપના નેતા અને જિલ્લાના કદાવર નેતા મહેન્દ્રસિંહ સરવૈયા પાલિતાણાના છે અને તેઓ અહીંથી ભૂતકાળમાં ધારાસભ્ય પણ રહી ચૂકયા છે. આ ઉપરાત મહેન્દ્રસિંહ સરવૈયા ખુદ પાલિતાણામાં રહે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને મહેન્દ્રસિંહ સરવૈયાના ગઢમાં કોંગ્રેસે વધુ બેઠક મેળવી વિજય બનતા ભાજપને શરમજનક સ્થિતીમાં મુક્યું છે.