Sihor
ધર્મમય માહોલ વચ્ચે સિહોર ખાતે નવનાથ યાત્રામાં હજારો લોકો જોડાયા
દેવરાજ
- શ્રાવણ માસ દરમિયાન નવનાથ દર્શનનું ખૂબ મહત્વ રહેલું છે, યાત્રા મુક્તેશ્વર મંદિર ખાતેથી પ્રસ્થાન થઈ, મોટી સંખ્યામાં લોકો જોડાયા
સિહોર એટલે ‘છોટે કાશી’, ડુંગર પર બેસેલી સિહોરી મા, ડુંગરોની ગાળીમાં બેસેલા ગૌતમેશ્વર મહાદેવ અને સિહોર નગરમાં રહેલા નવનાથ મહાદેવ… આવો અનેરો સંગમ માત્ર આપણા સિહોરમાં જ જોવા મળે છે, શ્રાવણ માસમાં સિહોરનું મહત્વ ખૂબ છે અને તેમાં પણ ખાસ કરીને ‘નવનાથ મહાદેવ’ ના દર્શનનું મહત્વ ઘણું રહ્યું છે, ત્યારે આ નવે નાથને એક સાથે જોડતી કડી એટલે ‘નવનાથ યાત્રા’.
છેલ્લા કેટલાય વર્ષોથી સિહોરના ધર્મપ્રેમી આગેવાનો, વડીલો અને યુવાનો દ્વારા ‘નવનાથ યાત્રા’ યોજવામાં આવે છે, આજે સાતમના દિવસે મુક્તેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી અને સિહોરની મુખ્ય બજાર થઈને નવનાથ યાત્રા નીકળી હતી, મુક્તેશ્વર મહાદેવ મંડળ તેમજ ધર્મ જાગરણ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને સિહોરની ધર્મપ્રેમી જનતા સૌના સદભાવ સાથે આજે ‘નવનાથ યાત્રા’ માં જોડાયા હતા
જેમાં સિહોર શહેર અને આસપાસના વિસ્તારોના લોકો ભાવપૂર્ણ જોડાયા હતા, આ સમગ્ર યાત્રા સુવ્યવસ્થિત અને સુરક્ષિત રીતે યોજાઈ શકે તે માટે સિહોર પોલીસ સ્ટેશનના પી.આઈ ભરવાડ દ્વારા તમામ સુરક્ષા વ્યવસ્થા સુચારુ રૂપે ગોઠવવામાં આવી હતી.
નવનાથના દર્શનનું અનેરુ મહત્વ છે અને તેમાંય ખાસ કરીને શ્રાવણ માસમાં નવનાથના દર્શન અને નવનાથ યાત્રાનું મહત્વ ખૂબ રહ્યું છે, ત્યારે આજે યોજાયેલી આ યાત્રાથી શિવ મહિમા, શિવ દર્શનના સંદેશ સાથે ભક્તિ-ભાવપૂર્ણ આયોજન અને સુંદર વ્યવસ્થાના કારણે સિહોરનો શ્રાવણ માસ એક અલગ જ ઊંચાઈએ પહોંચી જાય છે.