Sihor
સિહોરના બુટલેગરે પોલીસને ગાળો ભાંડી અને મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચ્યો
પવાર
- વાહન ચેક કરવાનું કહેતા શખ્સ કાર હંકારી ભાગ્યો, પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો ; ઘોઘા પોલીસને પૂછી લેજો મને પકડવાથી શું થાય છે?, હવે મળો ત્યારે ગાડી ચડાવી દઈશ : પોલીસે કાર, આઈફોન, લાકડી તપાસ અર્થે કબજે લીધી
સિહોર પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મીને બુટલેગરે ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. કાર ચેક કરવા મામલે ફરજમાં રૂકાવટ કરી બુટલેગર પોલીસ પાર્ટીને બેફામ ગાળો ભાંડી કાર ચડાવી દઈ મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહીતી અનુસાર સિહોર પોલીસનો સ્ટાફ ઘાંઘળી નેસડા વચ્ચે પેટ્રોલીંગ કરી રહ્યો હતો.ત્યારે ઘાંધળી ચોકડી નજીક એક સફેદ ક્લરની નંબર પ્લેટ વિનાની કાળા કાચની સ્વીફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં ઉભી હતી. જેથી પોલીસ સ્ટાફે દોડી જઈ જોતા કારનો ચાલક અફજલ પઢિયાર નામનો શખ્સ કે જેની સામે સિહોર પોલીસમાં ઈંગ્લીશ દારૂનો કેસ થયેલો હોય, તે હોવાનું જણાતા પોલીસે કાર ચેક કરવાનું કહ્યું હતું. જેથી બુટલેગર અફજલ પઢિયાર કાર હંકારી પુરપાટ ઝડપે ભાગી છુટ્યો હતો.
જેને પકડવા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી નેસડા રોડ પરથી ઝડપી લીધો હતો. જ્યાં બુટલેગર અફજલ પઢિયાર (ઉ.વ.૩૦, રહે, જલુનો ચોક, સિપાઈ શેરી, – સિહોર)એ હાજર પોલીસ સ્ટાફને બેફામ ગાળો દઈ તમે મને જવા દો નહીંતર હવે ગમે ત્યાં મળશો ત્યારે તમારી ઉપર ગાડી ચડાવીને મારી નાંખીશ તેવી ધમકી આપી ઘોઘા પોલીસ સ્ટેશનવાળાને પુછી લેજો કે મને પકડવાથી શું થાય છે, મને જવા નહીં દો તો હું તમારા વિરૂધ હેરાન કરો છો તેવી ફરિયાદ કરીશ અને હવે તમે કેમ નોકરી કરો છો તેમ કહી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. જે બનાવ અંગે પોલીસે બુટલેગરને ઝડપી પાડી તપાસના કામ અર્થે કાર, આઈફોન અને લાકડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે સિહોર પોલીસના કોન્સ્ટેબલ ઈમરાનભાઈ રફિકભાઈ ગોગદાએ બુટલેગર અફઝલ પઢિયાર વિરૂધ્ધ આઈપીસી ૨૭૯, ૧૮૬, ૫૦૪, ૫૦૬ (૨) અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.