Bhavnagar
શ્રાવણ માસ વિશેષ ; ડુંગરમાળાઓની ગિરનારીમાં આવેલું માળનાથ મહાદેવના દર્શન
બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર જિલ્લામાં આવેલા ભંડારીયા પાસેના ખોખરા વિસ્તારની રમણીય જગ્યામાં ડુંગરમાળાઓની વચ્ચે પૌરાણિક માન્યતા ધરાવતું “માળનાથ મહાદેવ મંદિર” આવેલું છે. મંદિર પાસે જ પાણીનો કુંડ આવેલો છે.આ ગિરિમાળાઓમાં વીજળી ઉત્પન્ન કરતી 20 જેટલી પવનચક્કીઓ આવેલી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ પવિત્ર સ્થળ જોવાનો આનંદ અનેરો હોય છે. કારણ કે, આ સમયમાં આજુબાજુના ડુંગરો લીલોતરીથી ઢંકાયેલા હોય છે.આ મંદિરની ચારે બાજુ વૈવિધ્યસભર કુદરતી વાતાવરણ અને તેમાં જોવા મળતા વન્યજીવો અને પશુપાલકો દ્વારા પશુઓ ચરાવવાના દ્રશ્યો જોવા મળે છે.
આજુબાજુના ગામડાઓ નાના ખોખરા,મોટા ખોખરા,ત્રંબક નો ધોધ તથા ઉખરલા પણ દ્રશ્યમાન થાય છે.માળનાથ મહાદેવ મંદિરની સ્થાપના આજથી 660 વર્ષ પહેલાં ઈ. સ. 1354 માં એક વણિક પરિવારે કરી હતી. માળનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ જોઈએ તો પ્રાચીન સમયમાં ઘોઘા નજીકના પીરમ બેટ ટાપુ પર એક વણિક શેઠ રહેતા હતા, જે ખૂબજ ધાર્મિક હતા. તેઓ ગૌમાતા પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવતા હતા. આ વણિક શેઠ પાસે ખાસ ઉચ્ચ પ્રકારની ગાયો હતી.આ બધી ગાયોમાં એક વિશેષ ગાય હતી. જેનું નામ સુરભી હતું. આ સુરભિ નામની ગાય એક ગોવાળ સાથે દરરોજ ભંડારીયાના ડુંગરોમાં ચરવા માટે જતી હતી. આ ગાય સાંજે પરત ફરતી ત્યારે દૂધ આપતી નહિ. જેથી આ વણિક શેઠ તેના ગોવાળ ને ખીજાતા અને કહેતા કે તું ગાયને રસ્તામાં જ દોહી લે છો એટલે એમને સાંજે દોવા આપતી નથી.
જેના જવાબ મા ગોવાળ કહેતો કે હું ગાય ને દોહી લેતો નથી.બીજા દિવસે આ ગોવાળ સુરભી ગાયની પાછળ તપાસમાં નીકળ્યો અને તેણે જોયું કે સુરભી ગાય ભંડારીયા ના ડુંગરોમાં આવેલા એક માટીના રાફડા પર પોતાના દૂધની ધારાથી અભિષેક કરતી જોવા મળી હતી.ગોવાળે પરત ફરી આ વાત વણિક શેઠને કરી. ગોવાળની વાત ઉપરથી શેઠ ચોંકી ઉઠ્યા અને તેણે આ વાત તેમના પરિવારને કરી. બીજા દિવસે વણિક શેઠ તેમના પરિવાર સાથે સુરભી ગાયની પાછળ પાછળ નીકળ્યાં. જ્યાં આ ગાય અભિષેક કરતી હતી તે રાફડાને ગોવાળને શેઠે ખોદવા કહ્યું અને ખોદતા ખોદતા શિવ બાણ જોવા મળ્યું અને આ વણિક શેઠે ત્યાંજ તેમની સ્થાપના કરી જે આજનું માળનાથ મહાદેવ મંદિર છે. બાદમાં ભાવનગરના મહારાજાએ ઇ.સ. 1943 ના આસો સુદ 10 એટલે કે વિજયાદશમીના દિવસે 16 સપ્ટેમ્બરના રોજ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.