Palitana
પાલીતાણા ; ભગવાન આદિનાથ દાદાના પગલાને ખંડિત કરનાર આરોપી ઝડપાયો, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

પવાર
પાલીતાણા તાલુકાના રોહિશાળા ગામે જૈન ધર્મની આસ્થાનું કેન્દ્ર ભગવાન આદીનાથ દાદાની દેરીએ અજાણ્યા ઈસમ દ્વારા પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરાતા જૈનોમાં રોષ જોવા મળ્યો હતો. જૈન ધર્મની લાગણી દુભાઈ હતી અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવાઈ હતી. આ ઘટના બાદ રાજ્યમાં અનેક જગ્યાએ આ મામલે જૈન સમાજ દ્વારા રેલીઓ આવેદનો આપીને વિરોધ નોંધાવવામાં પણ આવ્યો હતો. ત્યારે આદીનાથ દાદાના પગલા ખંડીત કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પાલિતાણામાં થોડા દિવસ પૂર્વે પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને કોઈ અજાણ્યા શખ્સે ખંડિત કરતા જૈનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પ્રભુની ચરણ પાદુકાને ખંડિત કરનાર અજાણ્યો શખ્સ ફરાર હતો. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપી દેરી ખાતે ચોરી કરવા માટે ગયો હતો પરંતુ ત્યાં તેને કોઈ કિંમતી ચીજવસ્તુ ન મળતા તેણે અકળાઈને પાસે રહેલા પથ્થરથી પગલાને ટોચા મારી ખંડીત કર્યા હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, તિર્થનગરી પાલિતાણાના શેત્રુંજ્ય પર્વત પર કેટલાક દુષણ વધ્યા છે તેથી જૈનોમાં નારાજગી જોવા મળી રહી છે.
ગત તા. ર૬ નવેમ્બર ર૦રરની રાતના સમયે અજાણ્યા શખ્સ દ્વારા રોહિશાળામાં પ્રાચીન ૩ ગાઉના પવિત્ર યાત્રા માર્ગની તળેટીમાં આવેલ પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરવામાં આવી હતી, આ ઘટનાને એક માસ થવા આવ્યો છતા આરોપી ફરાર હતો. પોલીસે લોકોના નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી આખરે આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાને લઈ જૈનોમાં ખુબ જ રોષ ભભૂકી ઉઠયો હતો અને યોગ્ય પગલા લેવા માંગણી ઉઠી રહી છે.