Palitana
પાલીતાણાની ઘટનાને લઈ નડિયાદ જૈન સમાજ દ્વારા વિશાળ રેલી કઢાઇ, આવેદનપત્ર અપાયું

પવાર
- ડોળી યુનિયનના પ્રમુખને હોદ્દા પરથી દૂર કરવા માંગણી, તીર્થ સ્થળ પર ભગવાનના પગલા ખંડિત કરી સીસીટીવી કેમેરાની તોડફોડના કૃત્યથી જૈન સમાજમાં ભારે આક્રોષ
જૈન સમાજના પવિત્ર તીર્થધામ શેત્રુજય પર્વત તથા પાલીતાણામાં ગંભીર આપત્તિઓ આવી પડી છે. પાલીતાણામાં આદિનાથ ભગવાનના પાદુકાને અનિષ્ટ તત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા જૈન સમાજના લોકોની ધામક લાગણી દુભાઈ છે. આ અંગે નડિયાદ જૈન સમાજ દ્વારા રેલી કાઢી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૈન સમુદાયના પવિત્ર તીર્થધામ શત્રુજય પર્વત પર તેમજ પાલીતાણા રોહિત શાળા ખાતે કેટલાક અનિષ્ટ તત્વો દ્વારા ભગવાનની પાદુકાને ખંડિત તથા સીસીટીવી કેમેરાની તોડફોડ કરવામાં આવતા જૈન સમુદાયના લોકોની ધામક લાગણી દુભાઈ છે.
જેથી જૈન સમુદાયના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. આ ઘટનાના વિરોધમાં અજીતનાથ અને આદિનાથ ભગવાન જૈન દેરાસર ટ્રસ્ટ, દિગંબર જૈન સંઘ, સ્થાનકવાસી જૈન તથા તેરાપંથ જૈન સંઘ સહિતના જૈન સમુદાય, નડિયાદ દ્વારા જૈન દેરાસર ખાતેથી રેલી કાઢવામાં આવી હતી. આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી જૈન સમાજ દ્વારા આપેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે મહાપવિત્ર શેત્રુંજય પર્વત અને પાલીતાણા શહેરને લઈ કેટલીક ગંભીર આપત્તિઓ થઈ છે. જેમાં છેલ્લા થોડા વર્ષોથી શેત્રુંજય પર્વત અને તેની આજુબાજુની જમીનો પર સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટના હુકમ વિરોધ ગેરકાયદે કબજો જમાવવામાં આવી રહ્યો છે.
પવિત્ર ગીરીરાજની ભયાનક આશાતના અને પર્વતની સમગ્ર સિસ્ટમને કાયમ માટે મોટું નુકસાન પહોંચાડવાની ગેરકાયદે માઈનિંગ, દારૂ જુગારના અડ્ડાઓ વગેરે ચાલી રહ્યા છે. જમીન માફિયા અને વિરોધી સ્થાપિત હિતો સક્રિય થયા છે. પાલીતાણા ડોલી કામદાર યુનિયનના પ્રમુખ મનાભાઈ ભોપાભાઈ રાઠોડ ભરવાડ વર્ષોથી પ્રમુખ પદે ચિટકી રહ્યા છે. આ માથાભારે મનાભાઈએ હોદ્દાનો દુરુપયોગ કરી ડોળીઓ ભાડે આપવાની ઇજારાશાહી ભોગવી લાખો રૂપિયાની બેનામી સંપત્તિ એકઠી કરી છે.
આ બે નામી સંપત્તિની તપાસ કરવા તેમજ આ માથાભારે ઈસમ જૈન સાધુ ભગવંતોને ધમકીયો આપી ગુંડાગીરી કરે છે. શેત્રુંજય પર્વત પર આવેલ વિશાળ સરકારી પડતર જમીન પર ગેરકાયદે કબજો જમાવી બાંધકામ કર્યું છે. જેની જંત્રી મુજબ એક કરોડ ઉપરાંતની કિંમત થાય છે. મનાભાઈ અને તેના સાગરીતો સાધુ સંતોને ગેર માર્ગે દોરી ભડકાવી, ઉશ્કેરણી કરી જૈન સમજ વિરુદ્ધ ધિક્કાર ફેલાવવાની પ્રવૃત્તિઓ કરી સ્થાનિક સ્તરે અશાંતી અને કોમી વૈયમનસ્ય ફેલાવી રહ્યા છે. મનાભાઈ તથા ભરત રાઠોડ જેવા તેના સાગરીતોથી જૈન ધર્મ સ્થાનો પર ગંભીર ખતરો મંડાઈ રહ્યો છે. ત્યારે આ તમામ પ્રવૃત્તિઓ અટકાવવા ડોલી યુનિયનના પ્રમુખ પદેથી મનાભાઈ ભરવાડને તાત્કાલિક દૂર કરવા તેમજ ડોલી યુનિયનમાં મના ભરવાડને કોઈ પદ ન આપવા સહિત તપાસ કરી પગલાં લેવા વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા.