Gariadhar
ગારિયાધારમાંથી જાલી નોટ સાથે ઝડપાયેલા એક શખ્સને દસ વર્ષની અને બીજાને સાત વર્ષ કેદની સજા
પવાર
ત્રણ વર્ષ પૂર્વે ગારીયાધાર તાલુકાના મોટાચારોડીયા ગામેથી બનાવટી ચલણી નોટો સાથે ઝડપાયેલા બે આરોપીઓ સામે ભાવનગરની ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે બંન્ને આરોપી પૈકીના એક આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ જ્યારે બીજા આરોપીને 7 વર્ષની કેદની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો. આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ગઈ તા.17-7-2019ના રોજ ગારીયાધાર બસ સ્ટેન્ડ પાસે સરકીટ હાઉસના દરવાજા પાસેથી બનાવટી ભારતીય ચલણી નોટ નંગ રૂા.500ના દરની 60 નંગ તથા રૂા.200ના દરની 4 નંગ એમ રૂા.30,800 તથા મોબાઇલ ફોન કિ. રૂા. 500 તથા આધારકાર્ડ સાથે અને આરોપીને પોતાના કબ્જાના મકાનેથી રૂા.2000ના દરની 12 નંગ, રૂ.500ના દરની 33 નંગ, રૂ.200ના દરની 18 નંગ, રૂ.100ના દરની 177 નંગ, 20ના દરની 1 નંગ એમ રૂા.69,000 ની બનાવટી નોટો તથા કોમ્પ્યુટર, મોનીટર, પ્રિન્ટર સહિતના મુદ્દામાલ સાથે પકડાઇ હતી.આરોપી હસમુખભાઇએ આરોપી ભુપતભાઇને સાહેદોના ખાતામાં અસલ રૂપીયા મેળવી એકબીજાને મદદગારી કરી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડી ગુન્હો કર્યો હતો.
ઉક્ત બનાવ અંગે જે તે સમયે ગારીયાધાર પોલીસ મથકમાં ઉપરોક્ત બંન્ને આરોપીઓ સામે ઇપીકો કલમ 389 (એ),(બી),(સી),(ડી), 34,114 મુજબનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ.પીરઝાદાની અદાલતમાં ચાલી જતા મુખ્ય જીલ્લા સરકારી વકીલ અને પબ્લીક પ્રોસીક્યુટર મનોજ જોશીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી અદાલતે ઉપરોક્ત બંન્ને આરોપીઓ હસમુખભાઇ ગોરધનભાઇ ઝાલાવાડીયા તથા આરોપી ભુપતભાઇ માધુભાઇ કોટડીયા બંન્ને સામે ગુનો સાબિત માની બંન્ને આરોપીઓને કસુરવાર ઠરાવી આરોપી હસમુખ ગોરધનભાઇ ઝાલાવાડીયાને ઇપીકો કલમ 489(સી) મુજબનો ગુનો સાબિત માની 7 વર્ષની કેદની સજા અને રોકડા રૂા.20 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજા તથા આરોપી ભુપત માધુભાઇ કોટડીયાને ઇપીકો કલમ 489(એ) મુજબનો ગુનો સાબીત માની 10 વર્ષની કેદની સજા અને રોકડા રૂા.30 હજારનો દંડ અને દંડનો ભરે તો વધુ 2 વર્ષની સજા અદાલતે ફટકારી હતી.