Gariadhar
ગાય આધારિત ખેતીથી પ્રાકૃતિક ખેતી, ગૌસંવર્ધન અને જળસિંચનનાં ત્રણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે : આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલશ્રી ખેડૂતો સમજે તેવી ભાષામાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવે છે તે બાબત ગુજરાતનું સૌભાગ્ય : પરષોત્તમ રૂપાલા
મિલન કુવાડીયા
ગારિયાધાર તાલુકાના પરવડી ખાતે આજે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગાય આધારિત ખેતીથી પ્રાકૃતિક ખેતી, ગૌસંવર્ધન અને જળસિંચનના ત્રણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ થશે તો જમીનોમાં અળસિયા સહિતના સૂક્ષ્મ જીવો આપોઆપ વધશે. જેનાથી પ્રાકૃતિક કૃષિ તો થશે જ અને પ્રાકૃતિક રીતે જળસંચય પણ થશે. આમ, પ્રાકૃતિક ખેતીથી ત્રણ બાબતોમાં સફળતા મળશે.
માધવ ગૌધામ અને પરવડી જલક્રાંતિ અભિયાન દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં કહ્યું હતું.ચારેક દાયકા પહેલાં જ્યારે રાસાયણિક ખાતરો નહોતાં ત્યારે ડાયાબીટીસ, કેન્સર, હાર્ટ એટેક સહિતના ગંભીર રોગોનું પ્રમાણ પણ ઓછું હતું. આ તમામ સમસ્યાઓનો ઉકેલ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જ લાવી શકાય તેમ છે. પ્રાકૃતિક ખેતીનાં કારણે ઉત્પાદન ઘટશે તેવી માન્યતા પણ ખૂબ ખોટી છે. પ્રાકૃતિક ખેતીથી મળતાં ઉત્પાદનનું પ્રમાણ રાસાયણિક ખાતરથી મળતા ઉત્પાદન કરતાં ઘણું વધારે હોય છે.
ગુજરાતીઓના માતૃભૂમિ પ્રેમની સરાહના કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતના લોકોની એ ખાસિયત મને ખરેખર આનંદ આપે છે કે, ભગવાન શ્રી રામ જેમ ગુજરાતનાં લોકો પણ તેમની માતૃભૂમિને ખૂબ પ્રેમ કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલા પશુપાલન ક્ષેત્રને નવો રાહ ચીંધી ઉમદા કાર્ય કરી રહ્યા છે. ઉપરાંત ભારતના પશુધનની વંશ સુધારણા અને ગૌસંરક્ષણ માટે ખરેખર સરાહનીય નિર્ણયો લઈ રહ્યા છે.
કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ તેમનાં ઉદબોધનમાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્રની ધરતી પર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત છે. ખેડૂતો સમજે તેવી ભાષામાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ રાજ્યપાલશ્રી પોતે સમજાવતા હોય તો આ બાબત ગુજરાતનું સૌભાગ્ય છે. આજે સમગ્ર વિશ્વ સ્વીકારી રહ્યું છે કે, જમીનોને વિષમુક્ત કરવાની જરૂર છે. જેનો એકમાત્ર ઉપાય ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર વિવિધ યોજનાઓ અને માર્ગદર્શન આપવા પ્રતિબદ્ધ છે.