Sihor
સિહોર સહિત જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રારંભ
પવાર
20મી સુધી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનુ આયોજન ; નાગરિકો, મતદાતાઓ તેમના હક્ક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે : નવા મતદારો નામ નોંધાવી શકશે
સિહોર સહિત જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. જિલ્લા સેવા સદન, ભાવનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને માહિતી આપવામાં આવી હતી. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ શાળા, કોલેજ તથા આઈ. ટી. આઈ. ખાતે ખાસ ઝુંબેશ યોજાશે. જેમાં હક્ક-દાવા વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા. ૦૫ થી ૨૦ એપ્રિલ-૨૦૨૩ સુધી રહેશે. નાગરિકો, મતદાતાઓ તેમના હક્ક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. હક્ક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવામાં આવે તેનો નિકાલ તા. ૨૮ એપ્રિલ-૨૦૨૩ને શુક્રવારના રોજ કરવામાં આવશે. મતદારયાદીની ચકાસણી, આખરી પ્રસિદ્ધિ અને પુરવણી યાદીઓ તા. ૦૪ મે-૨૦૨૩ને ગુરૂવારના રોજ જનરેટ કરવામાં આવશે. આ ઉપરાંત મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા. ૧૦ મે-૨૦૨૩ને બુધવારના રોજ કરવામાં આવશે.
કાર્યક્રમમાં તા. ૧/૪/૨૦૨૩નાં રોજ કે તે પહેલા જેમનાં ૧૮ વર્ષ પૂરા થયા છે એટલે કે જેનો જન્મ તા. ૧/૪/૨૦૦૫ કે તે પહેલાં થયો હોય તેમના ફોર્મ્સ ઓનલાઇન/ઓફલાઇન, વોટર હેલ્પલાઈન એપ, વોટર ઇસીઆઈમાં દાખલ કરવાનાં રહેશે તેમજ જેઓના તા. ૧/૭/૨૦૨૩ ના રોજ કે તે પહેલા જેમના ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય એટલે કે જેનો જન્મ તા. ૧/૭/૨૦૦૫ કે તે પહેલા થયો હોય તથા તા. ૧/૧૦/૨૦૨૩નાં રોજ કે તે પહેલાં જેમનાં ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય એટલે કે જેનો જન્મ તા.૧/૧૦/૨૦૦૫ કે તે પહેલાં થયો હોય તેઓ પણ પોતાનું નામ મતદારયાદીમાં નોંધવા ફોર્મ નં. ૬ રજુ કરી શકશે. મતદારોને આ તમામ સુવિધાઓ એનવીએસપી વોટર પોર્ટલ, વોટર હેલ્પલાઈન મારફત પ્રાપ્ત કરી શકશે. જિલ્લાના ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર કોલ કરીને પણ વિગતે માહિતી મેળવી શકાશે. જિલ્લાના નાગરિકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશનો લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.