Sihor
સિહોર ખાતે જિલ્લા ભાજપ દ્વારા વિજેતા બનેલા ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાયો.
મિલન કુવાડિયા
- કેન્દ્રિયમંત્રીના અધ્યક્ષ સ્થાને સુશાસન સહયોગી સન્માન સમારોહનું આયોજન થયું ; તળાજા, મહુવા, પાલીતાણા અને ગઢડા બેઠકના ભાજપના ધારાસભ્યો ને મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કરાયું, સ્થાનિક સ્વરાજ્ય અને આગામી 2024 ની ચૂંટણીના કામે લાગી જવા કરી અપીલ
- સન્માન સમારોહમાં જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યાની ગેરહાજરી – કાર્યકરોમાં ગણગણાટ
- કાર્યકરોની લાગણી હતી કે પ્રચંડ જીતની ખુશીઓની ઉજવણી થતી હોય ત્યાં તમામને હરખ અને ઉત્સાહ હોઈ છે – બન્ને ધારાસભ્યની ગેરહાજરી ઘણું સૂચવે છે
વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ આજે સિહોર ખાતે જિલ્લા ભાજપ દ્વારા ભાવનગર જિલ્લાની ચાર બેઠકો અને ગઢડા બેઠક મળી કુલ ભાજપના 5 વિજેતા ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો.કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ ડો.ભારતીબેન શિયાળ, જિલ્લા પ્રભારી ડો.ભરત કાનાબાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે વિજેતા ધારાસભ્યોનું વિશિષ્ટ સન્માન કરી આગામી સમયમાં વિકાસને વેગ મળે તે દિશામાં કામગીરી કરવામાં આવશે.
જિલ્લાની 7 બેઠકો પૈકી 6 બેઠકો જ્યારે બોટાદના ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે.જેમાં ભાવનગર શહેરની 2 બેઠકો બાદ કરતા ભાવનગર જિલ્લાની 4 અને ગઢડા ની 1 મળી કુલ પાંચ બેઠકો પરના વિજેતા ધારાસભ્યોને સન્માન સમારોહ “સુશાસન સહયોગી સન્માન સમારોહ” કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં ચૂંટાયેલા ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં કાર્યાલયનો પ્રારંભ કરી લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવે તેવો અનુરોધ કર્યો હતો.ઉપસ્થિત મહાનુભાવોનું મનસુખ માંડવીયા અને ભારતીબેનનું મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ બંને મહાનુભવોના હસ્તે વિજેતા ધારાસભ્યો ગૌતમ ચૌહાણ ,શિવાભાઈ ગોહિલ,શંભુનાથ ટૂંડીયા,ભીખાભાઇ બારૈયાનું મોમેન્ટો અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
જ્યારે વિજેતા ધારાસભ્યોની જીતમાં જેનો સિંહ ફાળો છે તેવા બુથ કાર્યકરો સહિતના તમામ કાર્યકરોની કામગીરીને બિરદાવી હતી.તેમજ આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમજ 2024 ની તૈયારીમાં લાગી જવા અપીલ કરી હતી. પ્રજાએ ખોબલે ને ખોબલે મત આપી ધારાસભ્યોને જીત અપાવી પણ આ પદ ને સુશાસન થકી વધુ શોભાયમાન કરવા તરફ કામગીરી કરવા અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યકરોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.ભાવનગર જિલ્લાના વિજેતા ધારાસભ્યોના સન્માન કાર્યક્રમમાં ભાવનગર શહેરની બંને બેઠકના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડયાનાના નામો નિમંત્રણ પત્રિકામાં તો નોતા કેમકે કાર્યક્રમ જિલ્લાનો હતો – ને આ બંને ધારાસભ્ય શહેરી વિસ્તારના પણ જીતુભાઇનું મૂળ વતન સિહોર તાલુકો અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા હતા ને વળી જીતુભાઈ નો અડધો વિસ્તાર ગ્રામ્ય માં આવે છતાં શા માટે જિલ્લાના કાર્યક્રમમાં તેમનું કદ વેતરવામાં આવ્યું તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો બીજી બાજુ કાર્યક્રમમાં છેક ગઢડાથી શંભુનાથ બાપુએ હાજરી આપી હતી પરંતુ ભાવનગર પશ્ચિમ અને પૂર્વ બંને ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આખે વળગી હતી બન્ને ધારાસભ્યની ગેરહાજરી પણ ઘણું સૂચવે છે