Sihor
સિહોરમાં હિલ સ્ટેશન જેવા માહોલમાં મકરસંક્રાતની ઉત્સાહભેર ઉજવણી ; ટેરેસો પતંગ રસીયાઓની બૂમોથી ગુંજ્યા

દેવરાજ
- એ કાપ્યો છે….લપેટ….લપેટ
ઉત્સવપ્રિય સિહોર નગરીના નગરજનો દ્વારા સુસવાટા મારતા ઠંડા પવન અને એ કાપ્યો છે…. લપેટ…ની ચિચિયારીઓ સાથે ઉત્સાહભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉત્તરાયણના દિવસે પવને જરૂરી સાથ આપતા પતંગ રસીયાઓનો ઉત્સાહ બેવડાયો હતો. સવારે મંદિરોમાં દાન કરવા માટે શ્રધ્ધાળુઓનો ભારે ધસારો રહ્યો હતો.
દિવસ દરમિયાન હિલ સ્ટેશન જેવો માહોલ રહ્યો હતો. સવારથી ટેરેસો પતંગ રસીયાઓથી હાઉસ ફૂલ રહ્યા હતા. જ્યારે માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. મકર સંક્રાત દાન-પૂણ્યનો પણ તહેવાર હોવાથી સવારે શ્રધ્ધાળુઓ દ્વારા ગાયમાતાને ઘૂઘરી ખવડાવી હતી. તો અનેક લોકો મંદિરોમાં દર્શન કરીને ગરીબોને બોર, તલ સાંકળી, ચીકી, શેરડી, મમરાના લાડુ વિગેરેનું દાન કર્યું હતું.
શહેરના વિવિધ મંદિરોમાં મોડી સવાર સુધી દાન-પૂણ્ય કરનારાઓની ભારે ભીડ જોવા મળી હતી. માંડવી અંબા માતાના મંદિર ખાતે લોકોનો ભારે ધસારો રહ્યો હતો. મંદિરોની બહાર ભીક્ષુકોનો પણ ભારે ધસારો જોવા મળ્યો હતો. ઉત્સવપ્રિય સિહોરના લોકો દ્વારા છેલ્લા પંદર દિવસથી અદકેરા ઉત્તરાયણ પર્વને ઉત્સાહભેર મનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
જે દિવસ આવી પહોંચતા લોકોનો ઉત્સાહ પરાકાષ્ઠાએ જોવા મળ્યો હતો. સૂર્યનારાયણ નીકળે તે પહેલાં પતંગ રસીયાઓ ટેરેસો ઉપર પહોંચી ગયા હતા અને રંગબેરંગી પતંગોથી અવકાશી યુધ્ધ ખેલવાની શરૂઆત કરી દીધી હતી. વહેલી સવારથીજ પતંગ રસીયાયોએ ટેરેસો ઉપર પૂર્વ રાતથીજ ગોઠવી દીધેલી ડી.જે. સિસ્ટમોમાં ગીતો વગાડવાનું શરૂ કરી દીધું હતું. જેમાં પતંગ રસીયાઓની કાપ્યો છે…લપેટ..લપેટ..ની ચિચીયારોએ ફિલ્મી ગીતોના અવાજને પણ દબાવી દીધો હતો.