Sihor
સિહોર વોર્ડ નં.7માં દુષિત પાણી વિતરણ ; કોંગ્રેસ આગેવાને ફરિયાદ કરી
પવાર
ર્ગંધયુકત અને દુષિત પાણી અપાતા રોગચાળાનો ખતરો, સ્થળ ચકાસણી કરી તાકીદે ઘટતો કરો, કોંગ્રેસ અગ્રણી – ફિલ્ટર પ્લાંટ છે પણ બની રહયો છે શોભાના ગાંઠીયા સમાન : દૂષિત પાણી વિતરણથી આરોગ્ય સામે ઉભો થતો પ્રશ્ન
સિહોરના વોર્ડ નં.7માં આવેલ કેટલાક વિસ્તારોમાં આજે પાણી વિતરણ કરવામાં આવેલ. આ પાણી દૂષિત દેખાયું હતું આથી આ વિસ્તારના રહીશો એકઠા થઇ, તંત્ર વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો. હાલના સમયમાં લોકોને પાણીની વધારે જરૂર હોય છે ત્યારે જ સિહોરમાં દૂષિત પાણીનું વિતરણ થઇ રહ્યું હોવાથી નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે. સિહોરમાં ગૌતમેશ્વર તળાવ નજીક ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે પરંતુ આ ફિલ્ટર પ્લાન્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય, હાલમાં ધૂળ ખાઇ રહ્યો છે અને સિહોરવાસીઓ દુષિત પાણી પીવા માટે મજબૂર બની રહ્યા છે.
એક તો પાણી વિતરણના ઠેકાણા નથી. એમાં પણ દુષિત પાણી. થોડા દિવસો પૂર્વે પણ કેટલાક વિસ્તારોમા દૂષિત અને જીવજંતુયુક્ત પાણી વિતરણ થયાની ફરિયાદો ઊઠવા પામી હતી નગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તે અત્યંત આવશ્યક છે. લોકોને સ્વચ્છ પાણીનું વિતરણ થાય તો લોકો રોગચાળાથી બચી શકે આ અંગે તંત્રએ સક્રિય થવાની જરૂર છે. બીજી બાજુ સ્થાનિક રહિશોમાં તાવ, ટાઈફોઈડ, ઝાડા અને પેટમાં દુખાવા જેવા રોગના ભોગ બનતા હોવાની વ્યાપક પ્રમાણમાં રાવ ઉઠવા પામેલ છે.