Gariadhar
સ્વાતંત્ર્યદિનની ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી ગારિયાધાર ખાતે થશે, આજે રિહર્સલ કરાયું
પવાર
તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો
ભાવનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિન અવસરે જિલ્લા કક્ષાની ઉજવણી ગારિયાધારની ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ ખાતે થવાની છે. આજે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની રિહર્સલ યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે 15મીએ ગારિયાધાર ખાતે રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી થશે. સ્વાતંત્ર્યદિનની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેની રિહર્સલ જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાની રાહબરી હેઠળ ગારીયાધાર ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ ખાતે યોજવામાં આવ્યું હતું.
રિહર્સલમાં કલેક્ટરએ મંત્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ પ્લાટુન દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, મંત્રી દ્વારા ઉદબોધન સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી સમીક્ષા કરી હતી. જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તૈયારીઓ સંપન્ન કરી તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
રિહર્સલમાં ટ્રાફિક પોલીસ, પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, મ્યૂઝિક પ્લાટુન, એન.સી.સી. કેડેટ્સ, સ્ટુડન્ટ પોલિસ કેડેટ્સ સહિતની ટુકડીઓ પરેડમાં હાજર રહી હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ,નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ, પાલીતાણા પ્રાંત અધિકારી યુવરાજ સિદ્ધાર્થ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.