Palitana
જેલવાસ બાદ રાણો-રાણાની રીતે : ગઈકાલે પાલીતાણા ખાતે ડાયરામાં દેવાયત ખવડે કહ્યું ઝૂકેગા નહીં સાલા..
દેવરાજ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચિત સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. મારામારીના કેસમાં 72 દિવસ જેલમાં રહ્યા બાદ ગઈકાલે તેમનો પ્રથમ ડાયરો પાલીતાણામાં જોવા મળ્યો હતો. જોકે આ ડાયરામાં પણ દેવાયત ખવડનો વટ જોવા મળ્યો હતો. આ ડાયરામાં દેવાયત ખવડ સહિત રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારો હાજર હતા. સાહિત્યકાર દેવાયત ખવડ ડાયરામાં આપતા નિવેદનો અને ડાયલોગના કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ મારામારીના કેસમાં જેલવાસ બાદ જામીન રદ થતા ડાયરામાં અગાઉ કરેલા તેમના જ નિવદનોના કારણે ટ્રોલ પણ થતા હતા. જોકે 72 દિવસના જેલવાસ બાદ જામીન મળતા ગઈકાલે ભાવનગરના પાલિતાણામાં તેમનો પ્રથમ ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં સ્ટેજ પરથી દેવાયત ખવડે કહ્યું હતું કે, જેલમાંથી છૂટ્યા બાદ આજે પ્રથમ ડાયરો માતાજીનાં ચરણોમાં યોજાયો છે. ‘હું શું બોલીશ એની આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે, પણ આજે હું વાયડાઈની કોઈ વાત કરવાનો નથી અને વ્યવહારની જ વાત કરવાનો છું, વાયડાઇ કદી જીતી નથી, જીત હંમેશાં વ્યવહારની જ થાય છે,
પણ હા, હું પહેલાં પણ કહેતો હતો અને આજે પણ કહું છું’ ‘ઝૂકેગા નહીં સાલા’. પાલિતાણામાં આવેલા કમળાઈ માતાજીના મંદિર ખાતે ગઈકાલ રાત્રે કમળાઈ માતાજી હુતાસણી પર્વ નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં દેવાયત ખવડ, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. જેવલાસ બાદના પ્રથમ ડાયરામાં દેવાયત ખવડનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું સાથે જ સાફો પહેરાવીને સન્માન આપવામાં આવ્યું હતું. દેવાયત ખવડે ડાયરાની રમઝટ બોલાવતા રૂપિયાની સાથે ડોલર પણ ઉછાળવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 7 ડિસેમ્બર 2022ના રોજ દેવાયત ખવડ સહિતના અન્ય વ્યક્તિઓએ રાજકોટમાં મયુરસિંહ રાણા ઉપર હુમલો કર્યો હતો. જે અંતર્ગત રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દેવાયત ખવડ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ IPCની 307 સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 72 દિવસ જેલમાં રહ્યા બાદ દેવાયત ખવડને 6 માસ સુધી રાજકોટમાં પ્રવેશ નહીં કરવાની શરત સાથે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગત સપ્તાહે જામીન આપવામાં આવતા તેમની જેલ મુક્તિ થઈ હતી.