National
2000 ‘બંધી’: સામાન્ય વર્ગમાં કોઈ ગભરાટ નથી; મોટામાથાઓને ટેન્શન
બરફવાળા
2000 ની નોટ પાછી ખેચવાના રિઝર્વ બેન્કનાં નિર્ણયથી નોટબંધી પાર્ટ-2 જેવી સ્થિતિ સર્જાય છે છતાં રિટેલ માર્કેટમાં કે સામાન્ય વર્ગમાં કોઈ જાતનો ગભરાટ નથી. મુખ્યત્વે મોટા માથાઓને ટેન્શન સર્જાયુ છે. માર્કેટયાર્ડ, પેટ્રોલપંપો, રીટેલ બજારોમાં 2000 ની નોટમાં લેવડ-દેવડ સામાન્ય જ રહી છે.બેંકોમાં પણ કોઈ મોટો ઘસારો જોવા મળ્યો નથી. સિહોરની બેંકોનાં સુત્રોએ જણાવ્યું હતું કે આજે મોટાભાગની બેંક બ્રાંચોમાં ગ્રાહકોનો ટ્રાફીક નોર્મલ દિવસ જેવો જ રહ્યો હતો. ગઈ મોડી સાંજે 2000 ની નોટ પાછી ખેંચાવાની જાહેરાત થતાં બેંકોમાં આજે ઘસારો થવાની ગણતરી હતી પરંતુ તેનાંથી તદ્દન વિપરીત સામાન્ય દિવસ જેવો જ ટ્રાફીક રહ્યો હતો.કેટલાંક બેંક ગ્રાહકો થોડી ઘણી માત્રામાં 2000 ની નોટ ખાતામાં જમા કરાવી જતા હોવાનુ જણાયું હતું. પરંતુ કોઈ લાઈન કે ઘસારાની સ્થિતિ ન હતી.
રાષ્ટ્રીય કૃત બેંકના મેનેજરે જણાવ્યું હતું કે 2000 ની નોટ બદલવાનું મંગળવારથી શરૂ થવાનું છે.આજે તો ગ્રાહકોને ખાતામાં જમા કરાવવા હોય તો છૂટ હતી. વાસ્તવિકતા એ છે કે સામાન્ય કે મધ્યમ વર્ગનાં લોકો પાસે કોઈ મોટી માત્રામાં 2000 ની નોટો હોતી નથી અને કદાચ હોય તો પણ 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે.ખાતામાં નાણાં જમા કરવા કોઈ નિયંત્રણ નથી. એટલે સામાન્ય વર્ગમાં કોઈ ગભરાટ સર્જાવાનો અવકાશ રહેતો નથી. બીજી તરફ રિટેલ માર્કેટમાં પણ 2000 ની નોટમાં વ્યવહારો નોર્મલ જ રહ્યા હતા.માર્કેટ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે મોટી નોટમાં વ્યવહારો થતા રહ્યા હતા.આજ રીતે દાણાપીઠ, વગેરે રિટેલ ક્ષેત્રમાં વેપારી અને ગ્રાહકો વચ્ચે વ્યવહાર નોર્મલ રીતે હતા. સુત્રોના કહેવા પ્રમાણે પેટ્રોલ પંપો પર આજે 2000 ની નોટનું ચલણ વધી ગયુ હતું. 2-5 નોટો ધરાવતાં લોકો બેંકોમાં નાણા જમા કરાવવાના બદલે પેટ્રોલ પંપ કે અન્ય રિટેલ માર્કેટમાં જ તે વટાવી લેવાનું માનસ ધરાવતા હોય તેમ સામાન્ય વ્યવહારમાં આ નોટનું ચલણ આજે વધુ હોવાનું માલુમ પડયુ હતું.