Sihor
કાલથી રાજયભરનાં 17 હજાર રેશનીંગ વેપારીઓની હડતાલ નિશ્ચીત !
Barafwala
20 હજાર કમિશન અને વિતરણ ઘટ્ટની માંગણીઓ સરકારે નહીં સ્વીકારતા વેપારી સંગઠન અસહકાર આંદોલન માટે મકકમ : પુરવઠાનાં ઉચ્ચ અધિકારીઓ લડત તોડી પાડવા વેપારીઓને ધમકાવતા હોવાનો વેપારી સંગઠનનો આક્ષેપ : સાંજે સરકાર એસોસીએશનનાં હોદ્દેદારોને બોલાવે તેવી શકયતા
લાખો ગરીબોનાં જન્માષ્ટમીનાં તહેવારો બગડે હવે તેવું નિશ્ર્ચિત થવા લાગ્યુ છે. કારણ કે સિહોર સહિત રાજયભરનાં રેશનીંગનાં 17 હજાર જેટલા વેપારીઓ આવતીકાલ તા. 1થી તેઓની કમિશન સહિતની પડતર માંગણીઓ પ્રશ્ને બેમુદ્દતી હડતાલ ઉપર ઉતરી જનાર છે. તાજેતરમાં સરકાર સાથે મંત્રણા પડી ભાંગ્યા બાદ ફરી આજે બપોર સુધીમાં સરકાર તરફથી વેપારી સંગઠનનાં હોદ્દેદારોને સમાધાનની મંત્રણા માટે બોલાવ્યા નથી, આથી હવે વેપારી સંગઠને આવતીકાલથી રાજયભરમાં માલ નહીં ઉપાડવાનું અને વિતરણ પણ નહીં કરવાનું નકકી કરી દીધું છે.
ત્યારે સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ કાલની હડતાલ ટાળવા અને સમાધાન માટે સંભવત: આજે સાંજે પાંચ વાગ્યા બાદ સરકાર વેપારી સંગઠનને બોલાવે તેવી શકયતા છે. દરમ્યાન વધુમાં વેપારી સંગઠનમાં હોદેદારોનાં જણાવ્યા મુજબ વ્યાજબી ભાવના દુકાનદારોની લાંબા સમયથી પડતર માંગણીઓ સ્વીકારવામાં આવતા બંને એસોસિએશન તરફથી જન્માષ્ટમીના તહેવાર પર જ લાભાર્થીઓને તેમને મળવા પાત્ર અનાજ ખાંડ તેલ દાળ ચણાનો જથ્થો વિતરણ ન કરવા માટે સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તે મુજબ આવતી કાલથી ગુજરાતના વ્યાજબી ભાવના તમામ દુકાનદારો અસહકાર આંદોલનની શરૂઆત કરશે અને સપ્ટેમ્બરના તહેવાર નિમિત્તે ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતો તેલ ખાંડનો જથ્થોનું વિતરણ કરશે નહિ.