Sihor
મેઘરાજાનું દે દનાદન.. સિહોરમાં વધુ ત્રણ ઇંચ વરસાદ

પવાર
ભારે વરસાદની આગાહીના પગલે ગોહિલવાડમાં સાર્વત્રિક પાણી વરસ્યું, સિહોર ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી
હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સવારથી જ સિહોરમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો તેમજ વીજળીના કડાકાને ભડાકા સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે. વેચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. વરસાદે પાણી ભરાતા જ વાહનચાલકો તેમજ રાહદારીને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકા દ્વારા પાણી નિકાલ માટેની કોઈપણ યોજના કરવામાં આવી ન હોવાના કારણે આ વરસાદી પાણી શહેરના અનેક વિસ્તારોમાં ભરાવાની ઘટના સામે આવેલી છે. ભારે વરસાદની આગાહીના પગલે ગોહિલવાડમાં સાર્વત્રિક પાણી વરસ્યું હતું. ખાસ કરીને સિહોર અને મહુવામાં મેઘરાજાએ દે દનાદન.. કરી અધિકમાં અષાઢ જેમ ધોધમાર પાણી વરસાવી દીધું હતું. જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારે વરસાદના પગલે અનેક સ્થળોએ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. શહેરમાં નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી થતાં વાહનવ્યવહાર થંભી ગયો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ વરસી જતાં ખેતરોમાંથી પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદની આગાહી સાચી ઠરી હોય તેમ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.