Sihor
સિહોરના સાગવાડી ગામના ગ્રામજનો રોડ પર ઉતરી આવ્યા ; તંત્રના પગ તળે રેલો આવ્યો, લેખિતમાં ખાતરી
દેવરાજ
રોડના અધૂરા કામને લઈ અનેક રજુઆત છતાં તંત્રએ ધ્યાન ન આપ્યું, આખરે સાગવાડી ગામના લોકો મજબુર બન્યા, આજે રોડ પર ઉતરી આવતા થોડીવાર માટે મામલો ગરમાયો, પોલીસ દોડી ગઈ, તંત્ર લેખિતમાં ખાતરી આપી કે ચાર દિવસમાં રોડનું કામ શરૂ થઈ જશે
સિહોરના ટાણા તરફ જતા માર્ગ વચાળે આવેલ સાગવાડી ગામના રોડની દશા નર્ક કરતા બદતર બની છે, લોકોએ અનેક રજુઆત કરવા છતાં તંત્ર બેધ્યાન રહ્યું અને આખરે સાગવાડી ગામના લોકો રોડ પર ઉતરી આવવા મજબૂર બન્યા અને આજે રવિવાર સવારે સાગવાડી ગામના લોકો રોડ પર ઉતરી આવ્યા હતા, જોકે લોકોના રોષની જોઈ રોડ વિભાગનું તંત્ર તત્કાલ પોહચી લેખિતમાં ખાતરી આપીને આવતા ચાર દિવસમાં અધૂરા રોડની કામગીરી શરૂ થશેની હૈયાધારણા આપી હતી અને મામલો શાંત પાડ્યો હતો, સિહોર સાગવાડી માર્ગ એ કાજાવદર, જાંબાળા, બોરડી, સર, મઢડા, બુઢણા, સખવદર, કનાડ, ખારી, લવરડા, બેકડી, થાળા, ભાંખલ, વરલ, રામગઢ, થોરાળી, મામસી, દિહોર,ભદ્રાવળથી છેક તળાજા અને મહુવા સુધીના માર્ગને જોડતો માર્ગ છે.
આ માર્ગ પરથી દિવસ દરમ્યાન અસંખ્ય વાહનો પસાર થાય છે.આ માર્ગ રાજ્ય ધોરી માર્ગ છે. માર્ગ પરથી પસાર થતાં વાહનોચાલકો અને રાહદારીઓની હાલાકી અને મુશ્કેલીને ધ્યાને લઇ સાગવાડી ગામની હદમાં બાકી રહેલા માર્ગનું વહેલામાં વહેલી તકે મરામત કરવામાં આવે તે હાલના તબક્કે અત્યંત જરૂરી બની ગયું હતું
સાગવાડી ગામનો હાઇ-વે પરનો માર્ગ અધૂરો છોડી દેવામાં આવ્યો હતો જોકે થોડા સમય પહેલા સાગવાડી ગામ નજીક અધૂરા છોડાયેલા માર્ગનું કામ શરૂ કરાયું હતું જોકે છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવાતા કોન્ટ્રાકટર અને તંત્રને અનેક રજુઆત કરી હતી તંત્રએ રજુઆતને ધ્યાને ન લેતા લોકો કંટાળી જઈને રોડ પર ઉતરી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દોડી ગઈ હતી. રોડ વિભાગે લેખિતમાં ખાતરી આપી હતી અને મામલો શાંત પાડ્યો હતો