National
ત્રણ નવા બિલ IPC, CrPC અને એવિડન્સ એક્ટનું સ્થાન લેશે, સંસદીય સમિતિમાં આજથી વિચારણા
ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ સોમવારથી ત્રણ દિવસ માટે ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ પર ચર્ચા કરશે. આ દરમિયાન સમિતિ નિષ્ણાતોના મંતવ્યો સાંભળશે.
અમિત શાહે 11 ઓગસ્ટે લોકસભામાં બિલ રજૂ કર્યું હતું
આ ત્રણ બિલો 11 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. આ બિલો બ્રિટિશ નિર્મિત કાયદાઓ ઈન્ડિયન પીનલ કોડ (IPC), ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) અને ઈન્ડિયન એવિડન્સ એક્ટને બદલવા માટે લાવવામાં આવ્યા છે.
‘સૂચિત કાયદાનો હેતુ ન્યાય આપવાનો છે’
આ બિલો રજૂ કરતી વખતે ગૃહમંત્રીએ કહ્યું હતું કે બ્રિટિશ યુગના કાયદાનો મૂળ ઉદ્દેશ્ય સજા આપવાનો હતો, જ્યારે પ્રસ્તાવિત કાયદાનો ઉદ્દેશ ન્યાય આપવાનો છે અને તેનો આત્મા ભારતીય છે. અમિત શાહની વિનંતી પર, ત્રણેય બિલ ગૃહ મંત્રાલય સાથે સંબંધિત સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે,
આ ત્રણેય બિલ ચાર વર્ષ સુધી વ્યાપક ચર્ચા વિચારણા બાદ તૈયાર કરવામાં આવ્યા છે. આ માટે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો, તમામ સાંસદો, ધારાસભ્યો, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો તેમજ કાયદાની યુનિવર્સિટીઓ પાસેથી સલાહ માંગવામાં આવી હતી. તેમાંથી 18 રાજ્યો, છ કેન્દ્રશાસિત પ્રદેશો, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, 16 હાઈકોર્ટ, 142 સાંસદો, 270 ધારાસભ્યો અને સામાન્ય જનતા પાસેથી મંતવ્યો પ્રાપ્ત થયા હતા, જેને આમાં સામેલ કરવામાં આવ્યા છે.