Sihor
સિહોર રેલવે સ્ટેશનમાં વર્ષોથી શરૂ કામો પૂરા થતાં નથી, અને હજી બીજા 6 કરોડનાં ખર્ચે સ્ટેશનનો વિકાસ થવાનો છે!
પરેશ
ભાવનગર ડિસ્ટ્રિકટ ચેમ્બર ઓફ કોમર્સ – સિહોરે રેલવે મંત્રાલય અને સાંસદ સભ્યને લખ્યો પત્ર
ભાવનગર જિલ્લાનું સૌથી મોટું ઔધોગિક કેન્દ્ર સિહોર છે, ધાર્મિક અને સામાજિક દૃષ્ટિએ મહત્વ ધરાવતું સિહોર વિકાસની દૃષ્ટિએ ઘણું પાછળ છે, અને તેમાં ખાસ કરીને સિહોર રેલવે સ્ટેશનના વિકાસનું કામ સ્થાનિક જવાબદારો સુધી જરૂરી છે તેટલું ધ્યાને નથી આવતું. સિહોર રેલવે સ્ટેશનથી અનેક ટ્રેનો પસાર થાય છે, સ્ટેશનની એક બાજુ ગૌતમી નદીનો પુલ અને બીજી બાજુ ઘાંઘળી ફાટક હોવાના કારણે પ્લેટફોર્મ ટુંકુ છે, ભાવનગર-બાંદ્રા ટ્રેન સહિત ઘણી ટ્રેન વખતે અમુક ડબ્બાઓ પ્લેટફોર્મથી નીચે ઊભા હોય છે, ત્યારે વૃદ્ધો, બાળકો અને મહિલાઓ સહિત દિવ્યાંગો માટે મુશ્કેલી ઊભી થાય છે, અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ પણ બની છે, અનેક ફરિયાદો છતાં આજે પણ પ્લેટફૉર્મની આ જ સ્થિતિ છે. આ સિવાય બીજા પ્લેટફોર્મ પર જવા માટે ફૂટઓવર બ્રિજ વર્ષોથી હજી બને જ છે અને ક્યારે પૂરો થશે એ પણ ખબર નથી, ઘાંઘળી ફાટક ટ્રેનના કારણે વારંવાર બંધ રહે ત્યારે લોકોને ખૂબ મુશ્કેલીઓ થતી હોય છે, આ ફાટકનો વિકલ્પ કાઢવામાં આવે તેવી માંગ પણ વર્ષોથી ચાલી રહી છે, અનેક ફરિયાદ અને રજૂઆત છતાં ફાટક પર પણ આજે એ જ સ્થિતિ છે.
ઘાંઘળી ફાટકના વિકલ્પ તરીકે નગરપાલીકા દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ પાસેથી નવાગામ ફાટક સુધી રસ્તો બનાવવામાં આવ્યો છે, અને નવાગામ ફાટકથી અંડર પાસ કાઢવાનું કામ શરૂ છે, નવાગામ ફાટક પાસેના આ અંડર પાસનું કામ પણ વર્ષોથી શરૂ છે, જે હજી સુધી પૂરું નથી થયું. સિહોરની આ તમામ સમસ્યાઓ વચ્ચે સિહોરના લોકો જવાબદાર તંત્ર, સ્થાનિક પ્રતિનિધિઓ પ્રત્યે કેવો ભાવ લઈને જતાં હશે તે સ્વાભાવિકપણે સમજી શકાય, અને માટે જ રેલવે વિભાગ, રેલવે મંત્રાલય સુધી સિહોરની પ્રજાનો આ પ્રશ્ન પહોંચાડનાર સરકારનાં સ્થાનિક પ્રતિનિધિઓ સિહોરની આ દુર્દશા તરફ ધ્યાન આપે તે ખૂબ જરૂરી છે. આજે ભાવનગર ડિસ્ટ્રિકટ ચેમ્બર ઓફ કોમર્સ સિહોર દ્વારા આ તમામ વિભાગો અને જવાબદારો સુધી સિહોરના લોકોનો પ્રશ્ન પહોંચાડ્યો છે, અને હવે આશા રાખીએ કે જલદી આ તમામ મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ થાય.