Sihor
ઘરનો જ ઘાતકી ; સિહોરના ઘાંઘળી ગામના વિશાલે કુમુંદવાડી હીરાની ઓફિસમાં 100 કેરેટ હીરાની ચોરી કરી
એસોર્ટીંગનું કામ કરતા વિશાલે લાખો રૂપિયાની કિંમતના હીરાની ચોરી કરી, ચોરેલા હીરાની જગ્યાએ નબળી ગુણવત્તાના હીરા મુકી દેતો, સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાતા કરતૂત ઉઘાડી પડી
Pvar
ભાવનગર શહેરના કુમુંદવાડી વિસ્તારમાં આવેલી હીરાની ઓફિસમાં એસોર્ટીંગનું કામ કરતા ઘાંઘળીના શખ્સે નોકરીના સમયગાળા દરમિયાન લાખો રૂપિયાની કિંમતના ૧૦૦ કેરેટ જેટલા હીરાની ચોરી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કુમુંદવાડીની બાજુમાં ભાવના સોસાયટી, પ્લોટ નં.૧૦ ખાતે અખંડ આનંદ એક્સપોર્ટ નામની જીજ્ઞોશભાઈ દિનેશભાઈ પવાસિયાની હીરા ઓફિસમાં છેલ્લા કેટલાક સમયથી સારી ગુણવત્તાવાળા હીરાની જગ્યાએ નબળા હીરા આવતા હોવાનું ઓફિસના મુખ્ય મેનેજર અલ્પેશભાઈ દલસુખભાઈ પવાસિયા (ઉ.વ.૩૮, રહે, શાંતિનગર-૧, પ્લોટ નં.સી/૪૯૬૮, કાળિયાબીડ)ના ધ્યાન પર આવતા તેમણે ઓફિસમાં એસોર્ટીંગનું કામ કરતો વિશાલ બટુકભાઈ માથાસુરિયા ઉપર શંકાના આધારે છેલ્લા ૧૫ દિવસથી નજર રાખી હતી.
દરમિયાનમાં આજે મંગળવારે બપોરે રિસેસના સમયે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા વિશાલ માથાસુરિયા ટ્રે માંથી ૧૪ કેરેટ ૬ સેન્ટ હીરાની ચોરી કરી પેકેટમાં ભરી રૂમાલમાં સંતાડીને હીરા બહાર લઈ ગયાનું કેદ થતાં શખ્સની કરતૂત ઉઘાડી પડી હતી. ત્યારબાદ બપોરના દોઢેક વાગ્યાના સમયે વિશાલ માથાસુરિયા ફરી ઓફિસમાં પાછો આવતા તેને ઓફિસમાં લઈ જઈ ખિસ્સા તપાસતા ચોરેલા હીરા ૧૪ કેરેટ અને ૬ સેન્ટ જેટલા જ વજનના નબળી ગુણવત્તાવાળા હીરા મળી આવ્યા હતા. જેથી વિશાલની પૂછતાછ કરતા હીરાની ચોરી કર્યાની કબૂલાત આપી કહ્યું હતું કે, આ હીરા તે બોરતળાવ વિસ્તારમાં રહેતો કેવલ રાઠોડ નામના શખ્સને આપતો હતો. અગાઉ પણ બેથી ત્રણ વખત આવી રીતે આશરે ૧૦૦ કેરેટ જેટલા હીરાની ચોરી કરી નબળા હીરા પાછા મુકી કેવલ રાઠોડને આપ્યા હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે અલ્પેશભાઈ પવાસિયાએ વિશાલ માથાસુરિયા (રહે, ઘાંઘળી, તા.સિહોર) અને કેવલ રાઠોડ (રહે, બોરતળાવ) સામે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.