Sihor
74માં વન મહોત્સવ ઘનિષ્ઠ વનીકરણ’ કાર્યક્રમ સિહોર ખાતે યોજાયો
પવાર
ફોરેસ્ટ ઓફિસ ખાતે વિનામૂલ્યે રોપા વિતરણનું આયોજન
પર્યાવરણનું જતન એ આપણી સૌની નૈતિક ફરજ છે, આપણી આવતી પેઢી માટે સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત વાતાવરણ બની રહે તે માટે આપણે સૌએ કોઈને કોઈ રીતે પ્રયત્નો કરવા રહ્યા, ગુજરાતમાં અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણનાં આયોજનથી પર્યાવરણનું જતન થઈ રહ્યું છે, અને ગુજરાત સરકાર દ્વારા પણ પર્યાવરણનું રક્ષણ થાય તે માટેના પ્રયત્નો થતા આવ્યાં છે.
સરકારનાં આ પ્રયત્નોના ભાગ રૂપે જ રાજ્યમાં ‘વન મહોત્સવ ઘનિષ્ટ વનીકરણ’ કાર્યક્રમ યોજવામાં આવે છે, ત્યારે ગઇકાલે રાજ્યનાં ’74માં વન મહોત્સવ ઘનિષ્ઠ વનીકરણ’ કાર્યક્રમ અંતર્ગત સિહોરની ફોરેસ્ટ ઓફિસ ખાતે વિનામૂલ્યે રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિહોર ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, શહેરના સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા, ‘વૃક્ષ રથ’ દ્વારા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ વિનામૂલ્ય રોપાનું વિતરણ કર્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ સિદ્ધ થાય તે માટેની અપીલ કરી હતી.
વિવિધ સામાજિક સંસ્થાઓ અને સરકારો દ્વારા પર્યાવરણના જતન માટે કોઈને કોઈ રીતે પ્રયત્નો થાય જ છે પણ આ સમગ્ર કામગીરીની સૌથી મોટી અસર જનતાના સહભાગથી જ થવાની, માટે દરેક લોકોએ કોઈને કોઈ રીતે વૃક્ષોનું જતન થાય અને વધુમાં વધુ વૃક્ષો વવાય, તેને ઉછેરાય અને આપણી સુંદર ભૂમિને વધુ હરિયાળી બનાવી શકાય તે માટેના પ્રયત્નો કરવા રહ્યા.