Gujarat
તાપીમાં ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા વાહન પલટી, 2 બાળકોના ઘટના સ્થળે જ મોત, 15 ઘાયલ
ગુજરાતના તાપીમાં સોમવારે ટેમ્પો પલટી જતાં બે બાળકોના મોત થયા છે. જ્યારે અન્ય 15 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વ્યારા તાલુકાના નાની ચીખલી ગામ પાસે એક ટેમ્પો પલટી ગયો હતો. જેના કારણે બે બાળકોના મોત થયા હતા.
ગ્રામજનો માતાના દર્શન કરવા જતા હતા
સોનગઢ તાલુકાના દેવલીમાતા મંદિરે સોમવારે સવારે 150 જેટલા ગ્રામજનો એક બોલરો અને બે ટેમ્પો લઈને દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે નાની ચીખલી ગામ પાસે ટેમ્પો ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ગયો હતો. આ અંગે નિમિષ ચૌધરી નામના ગ્રામીણે વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં કહેવાયું છે કે સોમવારે સવારે 6.30 વાગ્યે એક બોલરો અને બે ટેમ્પોમાં ઓછામાં ઓછા 150 ગ્રામજનો દેવલીમાતા મંદિર જવા નીકળ્યા હતા. જેમાંથી ફરિયાદી અને અન્ય 20 લોકો એક ટેમ્પોમાં મુસાફરી કરી રહ્યા હતા. ટેમ્પો હેમંત ચૌધરી ચલાવી રહ્યો હતો, નાની ચીખલી ગામ પાસે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ગયો હતો.
ચાલક સામે ગુનો નોંધ્યો
ટેમ્પો પલટી જતા તમામ મુસાફરો રોડ પર પડી ગયા હતા. આ અકસ્માતમાં સોહમ ચૌધરી (12) અને આયુષ ચૌધરી (13)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્તોને વ્યારાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તપાસનીશ અધિકારી વી.આર. વસાવાએ જણાવ્યું હતું કે ડ્રાઇવર હેમંત ચૌધરી સામે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.