Sihor
ST-AC-OBC સમાજને પાછલા બારણેથી સરકાર અન્યાય કરી રહી છે – પેપર લિંક મુદ્દે દલિત અધિકાર મંચે સરકાર સામે નિશાન સાંધ્યું
પવાર
- આ પેપર નહિ પરંતુ ગુજરાતના બેરોજગાર યુવાનોની કિસ્મત ફૂટી છે – ભાજપ કે કમલમમાં તમારું સેટિંગ નથી તો ગુજરાતમાં નોકરી નહીં મળે ; માવજી સરવૈયા
ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. માંડ કોઈ પરીક્ષા સુવ્યવસ્થિત રીતે લેવાય તેવું બને છે અને મોટા ભાગે પેપર લીક થતા પરીક્ષાર્થીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની રવિવારે પરીક્ષા યોજાવાની હતી. જે યોજાઇ નથી કારણ કે આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. આ મામલે રાજ્યમાં ઠેરઠેર પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ, ટાયર સળગાવવા, સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને મામલે દલિત અધિકાર મંચના આગેવાન માવજી સરવૈયા પણ લાલઘૂમ થયા હતા અને તેમણે ભાજપ અને ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીનું પરીક્ષા પેપર લીક થઈ જતા વિદ્યાર્થીઓ નારાજ થયા છે. આ મામલે માવજી સરવૈયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
તેમણે કહ્યું કે વારંવાર ગુજરાતમાં પેપર લીક થવાની ઘટનાઓ થાય છે પરંતુ અત્યાર સુધી નક્કર પગલા લેવાતા જોવા મળ્યા નથી. તેમણે કહ્યું કે જો તમારું સેટિંગ ભાજપના કમલમમાં નથી તો પછી ગુજરાતમાં તમને નોકરી મળશે નહીં, ઓબીસી સમાજને પાછલા બારણેથી સરકાર અન્યાય કરી રહી છે ગુજરાતમાં 156 કૌરવો બેઠા છે એટલે જ આવા રાક્ષસો પેદા છે. વિદ્યાર્થીઓને હેરાન કરતા રાક્ષસો બેફામ હોય તે સરકારની નિષ્ફળતા છે. ગુજરાત સરકારના જવાબદારોને વિનંતી કરું છું કે, લાખો વિદ્યાર્થીઓ જ નહીં પણ તેમના પરિવારના પણ સપના અને મહેનત હોય છે. મુખ્યમંત્રી કક્ષાએ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી પેપર લીક થતા રહેશે. તેમણે કહ્યું કે એક એવી પરીક્ષા લઇ બતાવો જેમાં પેપર લીક ન થયું હોય, માવજીએ વધુમાં કહ્યું કે આ પેપર નથી ફૂટ્યું પરંતુ ગુજરાતના બેરોજગાર યુવાનોની કિસ્મત ફૂટી છે.