Sihor
સિહોરમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ : કોળી સંગઠનોની બેઠક મળી અને રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને વધુ ટીકીટો ફાળવવાની માંગ કરાઈ

દેવરાજ
સિહોર નગરપાલિકાની વર્તમાન શાસકોની મુદત આગામી તા.૨૪ ફેબ્રુઆરીના રોજ પુરી થતી હોય ત્યારે આગામી ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે. રાજકીય પક્ષોમાં ભારે ધમધમાટ શરૂ થયો છે. બંને મુખ્ય રાજકીય પક્ષ દ્વારા ચૂંટણીના સંદર્ભે ખાનગી રાહે મીટીંગોનો દોર શરૂ કરાયો છે ત્યારે સિહોર કોળી સંગઠનોની બેઠક મળી છે. નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. હાલ નગરપાલિકાના જનરલ બોર્ડમાં ૨૩ ભાજપ, ૧૧ કોંગ્રેસ અને બે બેઠકો અપક્ષની છે. બન્ને પક્ષે હાલમાં ટિકીટ મેળવવા માટે ઉચ્ચ કક્ષાએ લાગવગ કરી ટીકીટ મેળવવા માટે ધમપછાડા શરૂ થયા છે.
ત્યારે ગઈકાલે સિહોર ખાતે કોળી સમાજ સંગઠન, કલ હમારા યુવા સંગઠન, કોળી સેના ટીમ, વિર માંધાતા કોલી સંગઠન દ્વારા આગામી સમયમાં યોજાનારી નગરપાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૨” ના અનુસંધાને સિહોર શહેરમાં વસવાટ કરતા કોળી સમાજના આગેવાનો ની એક અગત્યની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં કોળી સમાજના તમામ વિસ્તારના વિવિધ સંગઠનો ના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા અને કોળી સમાજના લોકોમાં રાજકીય ચેતના જોવા મળી હતી.
આ બેઠકમાં તમામ રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને વસ્તીના પ્રમાણમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવે અને વધુમાં વધુ ટિકિટો ફાળવવામાં આવે તે મુદ્દે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી બેઠકના મુખ્ય આયોજક વિક્રમભાઈ બારૈયા, જયદીપભાઈ વાઘેલા, સુરેશભાઈ ચૌહાણ, વિનોદભાઈ સોલંકી, શૈલેષભાઈ ખસિયા, સહિતના આગેવાન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા