Sihor
તલ, મગફળી, ખજૂર, ગુંદ, સૂંઠ, નારીયેળમાંથી બનતા આરોગ્યવર્ધક વસાણાની સિહોરની બજારમાં માંગ
ઠંડીની શરૂઆત થતાં જ કોપરાપાક, ખજૂરપાક, ગુંદરપાક, વિવિધ ચીકી, કચરિયુ, ગજક ઠંડી સામે આંતરિક રક્ષણ આપતા હોવાથી લોકપ્રિય
દેવરાજ બુધેલિયા
સિહોરમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થયા બાદ છેલ્લા થોડા સમયથી ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો ઉની વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. તેવામાં ઠંડીથી માત્ર બાહ્ય રક્ષણ જ નહીં પરંતુ આતંરિક રક્ષણ મેળવવા પણ સિહોરવાસીઓ સજાગ બન્યા છે. શિયાળાની ફૂલગુલાબી ઠંડીની સાથે જ ઠેર ઠેર વસાણા, વિવિધ ચીકી, કચરિયું સહિતના શિયાળું પાકનું વેચાણ થઈ રહ્યું છે. આખા વર્ષ માટેની ઈમ્યુનિટી મેળવવા માટે શિયાળો ઉત્તમ ઋતુ ગણાય છે. શિયાળામાં કોપરૂ (નારીયેળ), ખજૂર, ગુંદ, સૂંઠ વગેરેનો ઉપયોગ કરીને વિવિધ શિયાળુ પાક બનાવવામાં આવે છે. તેમાં પણ મગફળી, તલ, દાળીયા, સુકા મેવા સહિતની વિવિધ વસ્તુઓમાંથી બનાવાતી ચીકી હંમેશાથી લોકપ્રિય રહી છે. તેમજ કાળા અને સફેદ તલમાંથી બનતું કચરિયું પણ શિળાયામાં ખૂબ ખવાય છે.
આ વર્ષે શિયાળાની ધીમા પગલે શરૂઆત થયા બાદ ડિસેમ્બર મહિનાના મધ્યમાથી ઠંડીનું જોર વધ્યું છે. જેના કારણે લોકો ઘરમાં શિયાળુ પાક બનાવવાનું શરૂ કરી દીધું છે. ઉપરાંત બજારમાં પણ ચીકી, કચરિયું સહિતનાં મળી રહ્યાં છે. બજારમાં તલની ચીકી, સિંગની ચીકી, દાળીયાની ચીકી, સુકામેવાની ચીકી, માવાની ચીકી મળી રહી છે. તેમજ રાજસ્થાની ગજકે પણ લોકોનું પ્રિય બની રહ્યું છે. કાળા અને સફેદ તલના કચરિયા દ્વારા લોકો ઈમ્યુનિટી બુસ્ટ કરી રહ્યાં છે. તો પરંપરાગત અડદિયા, ખજૂર પાક, કોપરા પાક, ગુંદર પાક આરોગવાનું તો લોકોને પસંદ જ છે. ખજૂરમાંથી બનતા પરંપરાગત ખજૂરપાકની સાથે સાથે લોકોનું ખજૂરના સેન્ડવિચ બિસ્કિટ તરફ પણ વલણ દેખાઈ રહ્યું છે. તેમજ શુગર-ફ્રી ગજક પણ આરોગ્યપ્રેમી લોકોની પસંદ બની રહ્યું છે. ઘી, સુકામેવા, મગફળી, તલ, ખજૂર સહિતની વસ્તુઓના ભાવમાં વધારાના કારણે ચીકી, ગજક, કચરિયું સહિતના ભાવોમાં રૂ.૧૦થી ૧૫નો વધારો થયો છે. તેમછતાં વસ્તુઓનું સારૂં વેચાણ થતાં વર્ષ સારૂં જવાની વેપારીઓને આશા છે.