Sihor
પૂર્વ પ્રમુખના નામની તખ્તી હટાવા બાબતે સિહોર કોંગ્રેસ મેદાને આવી અને આંદોલનની ચીમકી આપી
બ્રિજેશ
- પૂર્વ પ્રમુખ શ્રી દિવ્યાબેન કે. મહેતાની તખ્તી જે જગ્યા પર હતી ત્યાં લગાવી દેજો અન્યથા અમારે કાયદો હાથમાં લેવો પડશે ; સિહોર કોંગ્રેસ મેદાને
- દિવ્યાબેન કે. મહેતા સિહોરના પ્રથમ નાગરિક છે, 1997માં દિવ્યાબેન મહેતાના હસ્તે તકતી ખુલ્લી મૂકી હતી, જે હાલના શાસકોએ કાઢી નાખી છે, કોંગ્રેસે ખોંખારો ખાઈને કહ્યું છે કે તકતી હતી એજ રીતે લગાવી દેજો અન્યથા અમારે કાયદો હાથમાં લેવો પડશે
સિહોર ગૌતમેશ્વર ખાતે પૂર્વ પ્રમુખ દિવ્યાબેન મહેતાની તકતી મામલે સ્થાનિક રાજકારણમાં ધમાસણ મચી છે કોંગ્રેસે આજે ખોંખારો ખાઈને કહ્યું છે કે પૂર્વ પ્રમુખ શ્રી દિવ્યાબેન કે. મહેતાની તખ્તી જે જગ્યા પર હતી ત્યાં લગાવી દેજો અન્યથા અમારે કાયદો હાથમાં લેવો પડશે કોંગ્રેસની આવેલી યાદીમાં જણાવ્યું છે કે સિહોર નગરપાલિકામાં ૧૯૯૭ માં શ્રી દિવ્યાબેન કે. મહેતા પ્રમુખ હતા ત્યારે નગરના વિકાસ પાછળ ખુબ જ કામો થયેલા. તે પૈકી ગૌતમેશ્વર તળાવના પાળે આમ નાગરીક દિવસે પણ જતા ડરે એ સમયે તેઓએ ગૌતમેશ્વર બ્યુટીફીકેશનના નામે વિવિધ લાઈટીંગ, પીવાના પાણીની વ્યવસ્થા, લોકોને બેસવા માટે બાંકડા, તેમજ બગીચાનું સર્કલ જેવા વિવિધ કામો કરી અને નગરપાલિકા ઘ્વારા તા.૧૪/૧૧/૧૯૯૭ ના રોજ શ્રી દિવ્યાબેન કે. મહેતાના વરદ હસ્તે ગામના શ્રેષ્ઠીઓને હાજર રાખી વિધિવત રીતે તેમની તખ્તી ખુલ્લી મુકી અને શરદ પૂનમની ચાંદની રાતે લોકો ગૌતમેશ્વર તળાવની રમણીયતા અને ચાંદની રાતનો નજારો માણી શકે તે માટે રાત્રીના કાર્યક્રમનું આયોજન કરેલ અને સિહોરની જનતાએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં હાજર રહી અને જાણે મેળો ભરાયો હોય તેમ મેદની એકત્રીત થયેલ. હાલમાં નગરપાલિકા ઘ્વારા ગૌતમેશ્વર બ્યુટીફીકેશન પાછળ લાખો રૂપીયાનો ખર્ચ કરવામા આવેલ છે અને શ્રી દિવ્યાબેન કે. મહેતાએ બનાવેલ સર્કલ જે જગ્યા ઉપર તખ્તી મુકવામાં આવેલ તે પીલર હાલમાં હયાત છે. માત્ર શ્રી દિવ્યાબેન કે. મહેતાની તખ્તી પાણીની ટાંકીની બાજુમાં નવો પીલર ઉભો કરી મુકી દેવામાં આવેલ છે. આમ કરવા પાછળનો હાલના શાસકોનો બદઈરાદો હોય અને મુખ્ય પ્રવેશા૨થી આવનાર લોકોને આ તખ્તી દૃશ્યમાન ન થાય તે હેતુથી ફેરવી હોય, જે શરમજનક બાબત છે. ભાજપની નીતિ રહી છે કે કોગ્રેંસે કરેલા કામો કે ઈતીહાસ ભૂંસી નાખી આવનારી પેઢીને ખ્યાલ ન આવે કે કોગ્રેંસે ૭૦ વર્ષમાં શું કર્યુ છે.
અને આવી જ માનસિકતા સિહોરના હાલના ભાજપના શાસકો ઘ્વારા પણ ખુલ્લી પડેલ છે. હાલમાં જે ગૌતમેશ્વર બ્યુટીફીકેશન પાછળ લાખો રૂપીયાનો ખર્ચ કરવામા આવેલ છે. તે મુજબ અગાઉના શાસકોએ રજવાડા સમયે જે ગૌતમેશ્વર તળાવ બાંધવામાં આવેલ તે પાળો સરકારશ્રીની મંજુરી વગર ફીલ્ટર પ્લાન્ટના કામે ખોદાણ કરતા તળાવના પાળાને નુકશાન કરેલ જેને લઈને ફીલ્ટર પ્લાન્ટની બાજુમાંથી તળાવનું પાણી વહી જતું હતું. જેને બંધ કરવા માટે ૮૦ લાખ રૂપીયાના ખર્ચે પ્રોટેકશન દિવાલ બનાવી, ખાતર માથે દિવો કરવા જેવો ઘાટ ઘડયો અને નગરપાલિકાના આર્થીક ભંડોળને નુકશાન કરવામાં આવ્યું. તેમછતા પાછળથી પાણી નીકળવાનું ચાલું રહેતા મોટી હોનારત ન સર્જાય તેની દહેશત રહેતી હતી. એ દરમ્યાનમાં તળાવના પાળા ઉપરનો રોડની માટી અંદર બેસતી જતી હતી અને તીરાડો પડવાની બાબતને લઈને વિરોધપક્ષ તેમજ મીડીયા આ મુદો અવાર નવાર પ્રજા તેમજ સરકારશ્રી સમક્ષ રજુ કરતા હાલના શાસકોએ ગૌતમેશ્વર બ્યુટીફીકેશનના નામે પોતાના અગાઉના શાસકોના કરતુતોને ઢાંકપીછોડા કરવા આર.સી.સી. રોડ અને તળાવના પાળાની બાજુએ પથ્થરો બાંધી સીમેન્ટના વાટા કરી અને આ ક્ષતિઓ ઢાંકવા બાલીશ પ્રયાસ કરવા પાછળ લાખો રૂપીયાનું આંધણ કરેલ છે. બાકી જો ખરેખર પ્રાકૃતિક પ્રેમીઓ કે ગૌતમેશ્વર મંદિરની મુલાકાત લેનારા લોકોને આકર્ષવા માટેનો જો હેતુ હોય તો એવી કોઈપણ સુવિધા હાલના શાસકોએ આપેલ નથી. જેમકે પીવાના પાણીનો ટાંકો તો છે પરંતુ તેના કનેકશનો ચાલુ કરવામાં આવેલ નથી. લોકોને બેસવા માટેની સુવીધાઓ ઉભી કરવામાં આવેલ નથી. તેમજ યુરીનલ કે સર્કલો ઉભા કરી રંગીન ફુવારાઓ જેવા અન્ય સુવીધાઓ ઉભી કરવી જોઈએ તેના બદલે માત્ર શાસકોને બચાવવા માટે થઈને બ્યુટીફીકેશન પાછળ લાખો રૂપીયાનો ખર્ચ કરવામાં આવેલ છે. દિવ્યાબેન કે. મહેતા કે જેઓ ગૌતશ્વર બ્યુટીફીકેશનના પ્રેરણાસ્ત્રોત હોય, તેમની તખ્તી દૂર કરવા પાછળનો આશય કોઈની લીટી ભુંસીને પોતાની લીટી મોટી કરવાની જે ચેષ્ઠા હાલના શાસકોએ કરેલ છે. તેને અમો કોઈપણ રીતે ચલાવી લઈશું નહી. જેથી આપ સાહેબ પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલીક અસરથી શ્રી દિવ્યાબેન કે. મહેતાની તખ્તી તેમણે બનાવેલ સર્કલ પાસે જુની જગ્યા પરજ લગાવવામાં આવે. તે માટેના આદેશ કરવામાં આવે. અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કે જરૂર જણાયે કાયદો હાથમાં લઈને પણ અમારા હક માટે લડવાનું આહવાન કોંગ્રેસ દવારા કરાયું છે