Gujarat
સાળંગપુર વિવાદ ; ‘વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય કોઈ આંદોલન….’, સાળંગપુર વિવાદ પર VHPના મહામંત્રીએ કરી સ્પષ્ટતા
કુવાડીયા
સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ મામલે VHPએ કરી સ્પષ્ટતા, VHPના ગુજરાત પ્રદેશ મંત્રી અશોક રાવલે આપ્યું નિવેદન, અમારો હેતુ તમામ સંપ્રદાયને એક કરવાનો છે
ગુજરાત પ્રદેશ મંત્રી અશોક રાવલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય કોઈ આંદોલન કરવાનું નથી, કોઈ પણ સંપ્રદાયનો અમે વિરોધ કરતા નથી. સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં શરૂ થયેલો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. સાળંગપુર મંદિર પરિસરમાં ભગવાન નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા સમગ્ર વિવાદ વકર્યો છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ મામલે VHPએ સ્પષ્ટતા કરી છે. VHPના ગુજરાત પ્રદેશ મંત્રી અશોક રાવલે જણાવ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય કોઈ આંદોલન કરવાનું નથી. કોઈ સંપ્રદાયનો અમે વિરોધ કરતા નથી. અમારો હેતુ તમામ સંપ્રદાયને એક કરવાનો છે.
આનો ઉકેલ વિવાદથી નહીં સંવાદથી લાવવા સંતોને અપીલ કરીએ છીએ. VHPના ગુજરાત પ્રદેશ મંત્રી અશોક રાવલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, વર્તમાનમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે એવા સમાચાર વહેતા થયા છે કે, VHP આંદોલન કરશે. પરંતુ આ આંદોલનનો વિષય જ નથી અને વિશ્વ હિન્દુ પરિષદે આવી કોઈ વાત કરી પણ નથી. તેમણે ઉમેર્યું કે, આ તમામ હિન્દુ સમાજની જ વાત છે, સ્વામીનારયણ જેવા તમામ સંપ્રદાયો છે જે સનાતન ધર્મવાળા જ છે. સનાતન ધર્મને એક કરવાનું અમારૂ કામ છે. આ મુદ્દે અમે ઉભા થઈ કોઈ લડાઈ ઝગડો કે સંઘર્ષ કરીએ એ અમારા માટે શક્ય જ નહી. અશોક રાવલ જણાવ્યું કે, આ સમગ્ર મુદ્દે સ્વામી નારાયણના સંતો તેમજ અન્ય સાધુ-સંતો સાથે અમે ચર્ચા કરી છે. અમારૂ ઉદ્શ્ય એટલો જ છે કે, હિન્દુ સમાજનો સંગઠન મજબૂત બની રહે, અંદરો અંદર કોઈ પણ સંપ્રદાયના લોકો લડે નહી. તેમજ સમગ્ર હિન્દુત્વને એક રાખવા માટેના આ અમારા પ્રયત્નો છે. તેમણે કહ્યું કે, અમે સંતોને અપીલ કરી છે કે, પુજનીય સંતો છે, વિવાદના બદલે સંવાદના સ્વરૂપમાં ફેરવી બધાની સાથે ચર્ચા કરી યોગ્ય નિર્ણય કરી ભવિષ્યમાં આવું ન બને તેવો નિર્ણય કરે.