Umrala
રતનપર ગામે વાડીમાંથી 55,000 જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળ્યો
પવાર
ક્રાઈમ બ્રાંચની ટીમ ત્રાટકે પહેલા લાખો રૂપિયાનો મુદ્દામાલ રેઢો મુકી શખ્સ ફરાર, લોખંડના ટાંકા, મોટર, પાઈપ મળી કુલ 31.70 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો
ઉમરાળા તાલુકાના રતનપર ગામે રહેતા એક શખ્સની વાડીમાંથી ભાવનગર ક્રઈામ બ્રાંચની ટીમે ૫૫,૦૦૦ લીટર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો કબજે કર્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ ત્રાટકે પહેલા લાખો રૂપિયાનો મુદ્દામાલ રેઢો મુકી શખ્સ ફરાર થઈ જતાં તેની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરાળાના રતનપર ગામે રહેતો છત્રપાલસિંહ ઉર્ફે કાનભા મહિપાલસિંહ ગોહિલ નામના શખ્સે ગામના બસ સ્ટેન્ડ પહેલા ડાબી બાજુ આવતા કાચા રસ્તે આવેલી પોતાની વાડીએ કોઈ પરવાના કે પુરતા ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વિના માણસોની જિંદગી જોખમાય અને સળગી ઉઠે તેવો જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો રાખ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર એલસીબીની ટીમે ગઈકાલે સાંજના સમયે વાડીમાં દરોડો પાડી તલાશી લેતા લોખંડના ચાર ટાંકામાં રાખેલો જ્વલનશીલ પ્રવાહીનો ૫૫ હજાર લીટર જથ્થો મળી આવ્યો હતો.
જેથી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ૫૫ હજાર લીટર જ્વલનશીલ પ્રવાહી, ચાર લોખંડના ટાંકા, એક લોખંડની મોટર, એક પ્લાસ્ટિકની પાઈપ મળી કુલ રૂા.૩૧,૭૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીના દરોડામાં વાડીમાલિક શખ્સ છત્રપાલસિંહ ઉર્ફે કાનભા ગોહિલ હાજર પળી ન આવતા તેની વિરૂધ્ધ આઈપીસી ૨૮૫ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ કલમ ૩, ૭ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં જ્વલનશીલ પ્રવાહીના નમૂના લેવા અને ટાંકા સીલ કરવા પાલિતાણા નાયબ પોલીસ અધિક્ષકને સ્થળ પર બોલાવવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી.